Gujarat

નવા સત્રની શરુઆત સાથે જ સ્કૂલ રિક્ષા-વાનના ભાડામાં તોતિંગ વધારો

અમદાવાદ : શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆતને લઈને વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ વાલીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યભરમાં શાળા-કોલેજો શરૂ થતાં જ અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો કરવાની જાહેરાત કરી છે, જેના કારણે વાલીઓના ઘરખર્ચ પર વધુ બોજ પડશે.

અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનની આજે મળેલી મહત્વપૂર્ણ બેઠકમાં સર્વાનુમતે સ્કૂલ ટ્રાન્સપોર્ટેશનના ભાડામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નિર્ણય મુજબ સ્કૂલ વાનના માસિક ભાડામાં રૂ. 200 અને સ્કૂલ રિક્ષાના ભાડામાં રૂ. 100નો વધારો કરવામાં આવ્યો છે. નવા દરો શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે અમલમાં આવશે.

છેલ્લા બે વર્ષથી સ્કૂલ વર્ધી વાહનોના ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. જોકે, આ સમયગાળા દરમિયાન સીએનજી ગેસના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. જૂન 2024માં સીએનજીનો ભાવ રૂ. 76.09 પ્રતિ કિલો હતો, જે જૂન 2026માં વધીને રૂ. 88.02 પ્રતિ કિલો થયો છે. એટલે કે બે વર્ષમાં અંદાજે રૂ. 12નો વધારો નોંધાયો છે.

સ્કૂલ વર્ધી એસોસિએશનનું કહેવું છે કે, સીએનજી ઉપરાંત આરટીઓ ફી, વાહનોનો વીમો, સ્પેરપાર્ટ્સ, જાળવણી અને અન્ય ઓપરેશનલ ખર્ચમાં પણ સતત વધારો થતાં ભાડા વધારવાનો નિર્ણય અનિવાર્ય બન્યો હતો. વાહનચાલકો માટે વધતા ખર્ચ વચ્ચે જૂના ભાડા પર સેવા આપવી મુશ્કેલ બની રહી હતી. નવા સત્રની શરૂઆત સાથે વાલીઓ પહેલેથી જ બાળકોના યુનિફોર્મ, પુસ્તકો, સ્ટેશનરી અને સ્કૂલ ફીની વધતી જતી કિંમતોથી પરેશાન છે. ત્યારે સ્કૂલ ટ્રાન્સપોર્ટેશનના ભાડામાં થયેલો વધારો મધ્યમવર્ગીય પરિવારો માટે વધુ એક આર્થિક પડકાર બની રહ્યો છે.

Most Popular

To Top