ભારત-અમેરિકા કૃષિ સહયોગ મજબૂત બનાવવા અંગે શિવરાજસિંહ ચૌહાણ અને દિલીપ સંઘાણી વચ્ચે ચર્ચા
ગાંધીનગર
ભારત-અમેરિકા કૃષિ સહયોગ મજબૂત બનાવવા, તેમજ કૃષિ ટેક્નોલોજી અને સહકારિતાના વિસ્તરણ માટે આજે વની દિલ્હીમાં ઇફકોના અધ્યક્ષ દિલીપ સંઘાણી અને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે ઉચ્ચસ્ચરિય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કૃષિ, સહકારિતા, ખેડૂત કલ્યાણ અને આંતરરાષ્ટ્રીય સહયોગ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન દિલીપ સંઘાણીએ તાજેતરમાં પૂર્ણ થયેલા પોતાના અમેરિકા પ્રવાસ અંગે શિવરાજસિંહ ચૌહાણ સાથે વિગતવાર ચર્ચા કરી તેમણે અમેરિકામાં યોજાયેલા વિવિધ કાર્યક્રમો, ઉચ્ચસ્તરીય બેઠકો તેમજ કૃષિ અને સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ અનુભવો અને તારણો અંગે માહિતી આપી હતી. સાથે જ કૃષિ નવીનીકરણ, સહકારી મોડલ, કૃષિ વ્યવસાય વિકાસ, ટેક્નોલોજી હસ્તાંતરણ અને ખેડૂતકેન્દ્રિત પહેલો અંગે થયેલા વિચાર-વિમર્શના મુખ્ય મુદ્દાઓથી પણ મંત્રીને અવગત કરાવ્યા હતા.
ભારત અને અમેરિકા વચ્ચે કૃષિ, સહકારિતા, કૃષિ વ્યવસાય, ખાદ્ય સુરક્ષા, કૃષિ ટેક્નોલોજી અને ખેડૂત સશક્તિકરણ જેવા ક્ષેત્રોમાં સંભવિત સહકાર અને ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અંગે અર્થપૂર્ણ ચર્ચા થઈ હતી. બંને દેશો વચ્ચે જ્ઞાન, આધુનિક ટેક્નોલોજી અને શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓના આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ મુલાકાતને ભારતના કૃષિ અને સહકારી ક્ષેત્રને વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓ સાથે જોડવા તેમજ ખેડૂતોના હિતમાં આંતરરાષ્ટ્રીય સહકારને વધુ મજબૂત બનાવવા તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.