Gujarat

કેન્દ્રની યોજના હેઠળ રાજ્યની 71 પંચાયતોની પ્રાથમિક પસંદગી, સ્થાનિક આવકના સ્ત્રોત ઊભા કરવા પંચાયતોને આહ્વાન

ગ્રાન્ટ પર નિર્ભર રહેવાને બદલે પોતાના સંસાધનોના આધારે વિકાસ કરવો પડશે’ : વિવેક ભારદ્વાજ
ગુજરાતની 14 હજારથી વધુ પંચાયતોને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ

ગાંધીનગર

પીએમ નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત-2047’ના વિઝનને સાકાર કરવામાં હવે ગ્રામ પંચાયતોની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બનશે. સ્થાનિક સંસાધનો, પ્રાકૃતિક વિશેષતાઓ અને આવકલક્ષી પ્રોજેક્ટ્સના આધારે પંચાયતોને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાના ઉદ્દેશ સાથે કેન્દ્ર સરકારના પંચાયતી રાજ મંત્રાલયે ‘આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ’ શરૂ કર્યો છે. આ યોજના અંતર્ગત ગુજરાતની 71 પંચાયતોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે, જ્યારે રાજ્ય સરકારે આગામી સમયમાં તમામ 14 હજારથી વધુ પંચાયતોને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.

ગાંધીનગર ખાતે આયોજિત ‘આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ’ના રાજ્યસ્તરીય આઉટરીચ વર્કશોપમાં પંચાયતી રાજ મંત્રાલયના સચિવ વિવેક ભારદ્વાજે જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારતની કલ્પનાને હવે ગ્રામ્ય વિકાસ સાથે જોડવાનો સમય આવી ગયો છે. પંચાયતોએ માત્ર સરકારી ગ્રાન્ટ પર નિર્ભર રહેવાને બદલે પોતાના વિસ્તારની વિશેષતાઓને વિકાસના સાધન તરીકે ઉપયોગમાં લેવી પડશે.

તેમણે જણાવ્યું હતું કે દેશે કોરોના મહામારી દરમિયાન આત્મનિર્ભરતાની શક્તિ વિશ્વ સમક્ષ રજૂ કરી હતી. ભારતે પોતાની જરૂરિયાતો પૂરી કરવા સાથે વિશ્વના અનેક દેશોને વેક્સિન ઉપલબ્ધ કરાવી હતી. હવે ગ્રામ્ય ભારતને પણ એ જ માર્ગે આગળ વધારીને આર્થિક રીતે મજબૂત બનાવવાની જરૂર છે.

વિવેક ભારદ્વાજે જણાવ્યું હતું કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, દરિયાકિનારા, કર્કવૃત્ત, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ રેખા સહિતના સ્થાનિક સંસાધનો અને વિશેષતાઓનો ઉપયોગ કરીને પ્રવાસન, સેવા ક્ષેત્ર અને અન્ય વિકાસલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા મોટી આવક ઊભી કરી શકાય છે. દેશની અનેક ગ્રામ પંચાયતો આજે પણ પોતાના પ્રોજેક્ટ્સ મારફતે નોંધપાત્ર આવક મેળવી રહી છે, જે અન્ય પંચાયતો માટે પ્રેરણારૂપ છે.

રાજયના પંચાયત વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા પસંદ કરાયેલી 71 પંચાયતો રાજ્ય માટે ગૌરવની બાબત છે, પરંતુ ગુજરાતનો દૃષ્ટિકોણ વધુ વ્યાપક છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની તમામ 14 હજારથી વધુ પંચાયતોને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે પંચાયતો માત્ર વહીવટી એકમો નહીં, પરંતુ લોકશાહીના જીવંત કેન્દ્રો છે. ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા નાગરિકોને પણ શહેરો જેવી ગુણવત્તાસભર સુવિધાઓ મળવી જોઈએ અને તે માટે પંચાયતોને પોતાના નાણાકીય સ્ત્રોતો વિકસાવવા જરૂરી છે. માત્ર અનુદાનનો ઉપયોગ કરવો એ વહીવટ છે, જ્યારે નવી આવક ઊભી કરીને ગામના વિકાસને ગતિ આપવી એ નેતૃત્વ છે.

અધિક વિકાસ કમિશનર ડૉ. ગૌરવ દહિયાએ જણાવ્યું હતું કે આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ પંચાયતોને નાણાકીય રીતે મજબૂત બનાવી તેમની પોતાની આવકમાં વધારો કરવાનો છે. રાજ્યની 14,650 ગ્રામ પંચાયતોને આત્મનિર્ભર બનાવવાના લાંબા ગાળાના લક્ષ્ય સાથે આ પહેલ હાથ ધરવામાં આવી છે.

નાબાર્ડના રિજિનલ મેનેજર ડૉ. પ્રદીપે જણાવ્યું હતું કે ગ્રામ હાટ, શુદ્ધ પીવાના પાણીની સુવિધા, કૃષિ ઉત્પાદનોનું સંગ્રહ અને પ્રોસેસિંગ, ગોડાઉન, નાના ઉદ્યોગો અને કોમોડિટી આધારિત વ્યવસાયો જેવા પ્રોજેક્ટ્સ ગ્રામ પંચાયતો માટે આવકના નવા દ્વાર ખોલી શકે છે. નાબાર્ડ આવા પ્રોજેક્ટ્સ માટે ટેકનિકલ અને નાણાકીય સહયોગ પૂરો પાડી રહ્યું છે.
હુડકોના વરિષ્ઠ અધિકારી વિમલકુમાર શર્માએ જણાવ્યું હતું કે પંચાયતોને આવકલક્ષી પ્રોજેક્ટ્સ તૈયાર કરવામાં, તેમની તકનીકી અને નાણાકીય વ્યવહારુતા નક્કી કરવામાં તેમજ ફંડિંગ મેળવવામાં સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે. પંચાયતના અધિકારીઓ માટે વિશેષ તાલીમ અને ક્ષમતાવર્ધન કાર્યક્રમો પણ યોજવામાં આવશે.વર્કશોપ દરમિયાન આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમના વિઝન, ઉદ્દેશ્યો અને અમલીકરણના રોડમેપ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ આત્મનિર્ભર પંચાયત પોર્ટલનું જીવંત પ્રદર્શન અને પ્રશ્નોત્તરી સત્રનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top