Gujarat

અમદાવાદના બોપલમાં પોલીસના ડરથી ભાગતા સુરેન્દ્રનગરના માથાભારે યુવકનું ચોથા માળેથી પટકાતા મોત

અમદાવાદ : અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં પાડોશીઓ વચ્ચે થયેલી માથાકૂટ દરમિયાન પોલીસના ડરથી ભાગવાનો પ્રયાસ કરનાર સુરેન્દ્રનગરના ચુડાના માથાભારે શખ્સનું ચોથા માળેથી નીચે પટકાતા મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

આ અંગે મળતી માહિતી પ્રમાણે શહેર સુરેન્દ્રનગરના ચુડાના અને હાલમાં અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા અક્ષર લકઝ્યુરિયા ફ્લેટમાં મહાવીરસિંહ સિંઘવને પડોશી સાથે કોઈ મુદ્દે સામાન્ય બોલાચાલી થઈ હતી. જોતા જોતા મામલો ઉગ્ર બનતા મારામારી સુધી પહોંચ્યો હતો. આથી આ ઘટનાની જાણ સ્થાનિક લોકોએ પોલીસને કરી હતી.

પોલીસ આવી રહી હોવાની જાણ થતાં મહાવીરસિંહ સિંઘવ સ્થળ પરથી નાસી છૂટવાનો પ્રયાસ કરતા ઝડપથી ચોથા માળેથી નીચે ઉતરતી વખતે અચાનક તેનો પગ લપસી જતા તે સીધો નીચે પટકાયો હતો, જેમાં તેને ગંભીર ઈજાઓને થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ.

આ ઘટના અંગે પોલીસ તપાસમાં એવી હકીકત સામે આવી હતી કે મૃતક મહાવીરસિંહ ગુનાઈત ઇતિહાસ ધરાવતો હતો. તેની સામે ગુજસીટોક (GUJCTOC) સહિત કુલ પાંચ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા. અગાઉના ગુનાઓને કારણે પોલીસની કાર્યવાહીનો ભય હોવાથી તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. હાલ બોપલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક મહાવીરસિંહ સિંઘવ કુખ્યાત બિશ્નોઈ ગેંગ સાથે પણ સંડોવાયેલો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Most Popular

To Top