લોકોને ફરિયાદ માટે ગાંધીનગર નહીં આવવું પડે, જિલ્લા કક્ષાએ જ થશે પ્રશ્નોનો નિકાલ : ડીજીપી મલિક
‘પોલીસ અને જનતા વચ્ચે વિશ્વાસનો સેતુ બનશે જનસંપર્ક વ્યવસ્થા’
ગાંધીનગર
રાજ્યના નાગરિકોને પોતાની ફરિયાદો અને રજૂઆતોના નિવારણ માટે ગાંધીનગર સુધી લાંબા ધક્કા ખાવા ન પડે તે માટે પોલીસ તંત્ર હવે જિલ્લા કક્ષાએ જ વધુ અસરકારક અને જવાબદાર વ્યવસ્થા ઉભી કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. રાજ્યના પોલીસ વડા (ડીજીપી) જી. એસ. મલિકે આજે મંગળવારે ગૃહ વિભાગના રાજ્ય જનસંપર્ક કેન્દ્ર તથા પોલીસ ભવન ખાતે કાર્યરત જનસંપર્ક કાર્યાલયની ઓચિંતી મુલાકાત લઈને સમગ્ર કામગીરીની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે રજૂઆતો લઈને આવેલા નાગરિકો સાથે રૂબરૂ સંવાદ સાધી તેમની સમસ્યાઓ પણ સાંભળી હતી.
ડીજીપી મલિકે જણાવ્યું હતું કે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી લોકો કયા પ્રકારની ફરિયાદો અને રજૂઆતો લઈને ગાંધીનગર આવે છે તેની વિગતવાર સમીક્ષા હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને કયા જિલ્લાઓમાંથી સૌથી વધુ અરજદારો ગાંધીનગર સુધી પહોંચે છે અને તેમના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે કેમ નિરાકરણ થતું નથી તે અંગે વિશેષ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ગૃહ વિભાગનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય નાગરિકોને ન્યાય મેળવવા માટે રાજધાની સુધી આવવાની ફરજ ન પડે તે છે. જિલ્લા કક્ષાએ જ તેમની ફરિયાદોનો ઝડપી, પારદર્શક અને સંતોષકારક નિકાલ થાય તે માટે પોલીસ તંત્રમાં વધુ સક્ષમ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
ડીજીપીએ જણાવ્યું હતું કે હાલમાં ગાંધીનગર ખાતે જનસંપર્ક કેન્દ્રમાં આવતી તમામ રજૂઆતોને તાત્કાલિક સંબંધિત જિલ્લા પોલીસ તંત્ર અથવા જે-તે યુનિટને મોકલી આપવામાં આવે છે. સાથે જ ફરિયાદોના અનુસંધાન અને નિકાલ પર સતત નજર રાખવામાં આવે છે જેથી અરજદારોને સમયસર ન્યાય મળી શકે.
મુલાકાત દરમિયાન ડીજીપી મલિકે અરજદારો સાથે સીધો સંવાદ સાધીને તેમની સમસ્યાઓ અને અપેક્ષાઓ અંગે માહિતી મેળવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જનસંપર્ક કાર્યાલય માત્ર અરજીઓ સ્વીકારવાનું માધ્યમ નથી, પરંતુ પોલીસ અને જનતા વચ્ચે વિશ્વાસનું મજબૂત સેતુ છે.
રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું હતું કે નાગરિક કેન્દ્રિત અભિગમને વધુ મજબૂત બનાવવા માટે જિલ્લા કક્ષાએ પણ આવી જ અસરકારક વ્યવસ્થાઓ વિકસાવવામાં આવશે. પોલીસ તંત્રને વધુ લોકભોગ્ય, લોકોપયોગી અને જવાબદાર બનાવવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે.
ગૃહ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યભરમાં ફરિયાદ નિવારણ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા, નાગરિકોને ઝડપી પ્રતિસાદ આપવા અને જિલ્લા સ્તરે જ પ્રશ્નોના ઉકેલ માટે આગામી સમયમાં કેટલાક નવા વહીવટી અને ટેક્નોલોજી આધારિત સુધારાઓ પણ અમલમાં મૂકવામાં આવી શકે