વર્ષ 2047 સુધી સિકલ સેલમુક્ત ગુજરાત-ભારતના સંકલ્પ સાથે રાજ્ય આગળ વધી રહ્યું છે : પ્રફુલ પાનશેરીયા
ગુજરાતમાં 5.5 લાખ કેરિયર્સ અને 30 હજાર દર્દીઓ; જનજાગૃતિ અને જેનેટિક કાઉન્સેલિંગ પર ભાર
ગાંધીનગર
પરંપરાગત રીતે લગ્ન પહેલાં કુંડળી મેળવવાની પ્રથા વર્ષોથી ચાલી આવી છે, પરંતુ હવે આવનારી પેઢીને સિકલ સેલ જેવા ગંભીર આનુવંશિક રોગોથી બચાવવા માટે ‘મેડિકલ કુંડળી’ મેળવવી સમયની જરૂરિયાત બની ગઈ છે. સિકલ સેલનું સ્ટેટસ – વ્યક્તિ વાહક (કેરિયર) છે કે દર્દી – તેની પૂર્વ જાણકારી જ આ રોગને જડમૂળથી નાબૂદ કરવાનું સૌથી અસરકારક હથિયાર બની શકે છે. આ મત આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગાંધીનગરમાં યોજાયેલા ‘સિકલ સેલ એનિમિયા – દર્દી સંવાદ અને માર્ગદર્શન કાર્યક્રમ’માં વ્યક્ત કર્યો હતો.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના સંયુક્ત ઉપક્રમે સ્વર્ણિમ સંકુલ-2 ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી પાનશેરીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષ-2047 સુધી દેશને સિકલ સેલ મુક્ત બનાવવાના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે સિકલ સેલ એક એવો આનુવંશિક રોગ છે જે પેઢી દર પેઢી આગળ વધે છે. તેથી લગ્ન પહેલાં બંને પક્ષનું સિકલ સેલ સ્ટેટસ જાણી લેવાય તો ભવિષ્યમાં જન્મનાર સંતાનોને આ રોગથી બચાવી શકાય છે. સમાજમાં આ અંગે વ્યાપક જાગૃતિ લાવવી એ આજની સૌથી મોટી જરૂરિયાત છે.
પ્રફુલ પાનશેરીયાએ યાદ અપાવ્યું હતું કે વર્ષ 2006માં જ્યારે દેશમાં સિકલ સેલ અંગે જાગૃતિ મર્યાદિત હતી ત્યારે ગુજરાતે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશવ્યાપી ઉદાહરણરૂપ સ્ક્રીનિંગ અભિયાન હાથ ધરીને લાખો લોકોનું પરીક્ષણ કર્યું હતું. તેના પરિણામે રાજ્યમાં સિકલ સેલના દર્દીઓ અને વાહકોનો સચોટ ડેટાબેઝ તૈયાર કરવામાં સફળતા મળી હતી.તેમણે કહ્યું હતું કે ગુજરાતે પોલિયો સામેની લડતમાં પણ ઐતિહાસિક સફળતા મેળવી છે. વર્ષ 2007માં રાજ્યમાં પોલિયોનો છેલ્લો કેસ નોંધાયા બાદ સતત પ્રયાસોથી ગુજરાત પોલિયોમુક્ત બન્યું હતું. એ જ રીતે આગામી દાયકાઓમાં સિકલ સેલને પણ ઇતિહાસનો વિષય બનાવી શકાય છે.
દર્દીઓ અને તેમના પરિવારજનોને સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સિકલ સેલ જીવન સમાપ્ત કરી દેતો રોગ નથી. યોગ્ય સારવાર, નિયમિત દેખરેખ અને સકારાત્મક અભિગમ દ્વારા દર્દીઓ સામાન્ય અને સક્રિય જીવન જીવી શકે છે. વિકસિત ભારત-2047ના સ્વપ્નને સાકાર કરવા માટે દરેક નાગરિકનું સ્વસ્થ અને નિરોગી જીવન અનિવાર્ય છે.
આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનોએ જણાવ્યું હતું કે ગુજરાતનો સિકલ સેલ નિયંત્રણ કાર્યક્રમ આજે સમગ્ર દેશ માટે મોડેલ તરીકે ઉભરી આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે હાલમાં રાજ્યમાં અંદાજે 5.5 લાખ સિકલ સેલ કેરિયર્સ અને આશરે 30 હજાર સક્રિય દર્દીઓ છે. શીતળા કે પોલિયો જેવા રોગો સામે રસીકરણ અસરકારક ઉપાય બની શકે છે, પરંતુ સિકલ સેલ જેવા જનીની રોગ સામે જનજાગૃતિ, સ્ક્રીનિંગ અને જેનેટિક કાઉન્સેલિંગ જ સૌથી મજબૂત હથિયાર છે.તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2047 સુધીના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે રાજ્યભરમાં વ્યાપક સ્ક્રીનિંગ, કાઉન્સેલિંગ અને સામાજિક જાગૃતિ અભિયાન વધુ સઘન બનાવવામાં આવશે.
કાર્યક્રમ દરમિયાન સિકલ સેલથી પીડિત બાળકો દ્વારા તૈયાર કરાયેલું એક ભાવસ્પર્શી ચિત્ર આરોગ્ય રાજ્ય મંત્રીને અર્પણ કરવામાં આવ્યું હતું, જે આ રોગ સામેની લડત અને દર્દીઓની લાગણીઓનું પ્રતીક બની રહ્યું હતું.આ પ્રસંગે કમિશનર ગ્રામ્ય આરોગ્ય અને નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર ડૉ. રતનકવર ગઢવી ચારણ, ધનવંતરી ટ્રસ્ટના સ્થાપક ડૉ. અતુલ દેસાઈ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, તબીબો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.