12 વર્ષના સુશાસનમાં ખેડૂતો માટે આર્થિક સંજીવની બની પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના
દેશના 11 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પહોંચ્યા રૂ. 4.27 લાખ કરોડ; ગુજરાતમાં 22 હપ્તામાં સહાયનો નવો રેકોર્ડ
ગાંધીનગર
ખેડૂતોને ખેતી માટે નાણાકીય ટેકો પૂરો પાડવાના ઉદ્દેશ સાથે શરૂ કરાયેલી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ-કિસાન) યોજના આજે ગુજરાતના લાખો ખેડૂતો માટે આર્થિક સંજીવની બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે જાહેર થયેલા આંકડાઓ મુજબ ગુજરાતના 69.25 લાખથી વધુ ખેડૂત પરિવારોને અત્યાર સુધીમાં રૂ. 23,083 કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે.દેશવ્યાપી સ્તરે પણ આ યોજના ખેડૂતો માટે સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) પહેલ તરીકે ઉભરી આવી છે. યોજના હેઠળ દેશના 11 કરોડથી વધુ ખેડૂતોને કુલ રૂ. 4.27 લાખ કરોડથી વધુની સહાય સીધી તેમના ખાતામાં પહોંચાડવામાં આવી છે, જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બનવા સાથે ખેતીમાં આત્મનિર્ભરતા પણ વધી છે.
ગુજરાતમાં યોજનાની શરૂઆત પ્રથમ હપ્તા દરમિયાન 28.65 લાખ ખેડૂતોને રૂ. 572.21 કરોડની સહાયથી થઈ હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં યોજનાનો વ્યાપ સતત વધતો ગયો છે અને હવે 22મા હપ્તા સુધીમાં લાભાર્થીઓની સંખ્યા વધીને 69.25 લાખથી વધુ ખેડૂત પરિવારો સુધી પહોંચી છે. તાજેતરમાં જ જમા કરાયેલા 22મા હપ્તા હેઠળ રાજ્યના 50.54 લાખથી વધુ ખેડૂત પરિવારોના ખાતામાં રૂ. 1,010 કરોડથી વધુની સહાય સીધી જમા કરાવવામાં આવી હતી.
રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાએ ખેડૂતોને આર્થિક સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે. નાના અને સીમાંત ખેડૂતો માટે ખાતર, બિયારણ અને અન્ય ખેતીલક્ષી ઇનપુટ ખરીદવામાં આ સહાય મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ હેઠળ ભારતના કૃષિ ક્ષેત્રનું ચિત્ર બદલાઈ રહ્યું છે અને ખેડૂતો વધુ આત્મનિર્ભર બની રહ્યા છે.
ખેતી માટે સમયસર નાણાં મળવાથી ખેડૂતોને વ્યાજખોરો પરની નિર્ભરતા ઘટી છે. દર ચાર મહિને સીધા બેંક ખાતામાં જમા થતા રૂ. 2,000ના હપ્તા ખેડૂતો માટે વાવણી અને પાક સંભાળના નિર્ણાયક સમયમાં મહત્વપૂર્ણ સહારો બની રહ્યા છે.
ગાંધીનગર જિલ્લાના દશેલા ગામના ખેડૂત ગોવિંદભાઈ પટેલના જણાવ્યા મુજબ, સરકાર તરફથી મળતા હપ્તાઓના કારણે ખાતર, બિયારણ અને દવાઓની ખરીદી સરળ બની છે, જેના કારણે મગફળી અને કપાસ જેવા પાકોનું સમયસર વાવેતર કરી શકાય છે.ખેડૂત રમેશભાઈ પટેલ કહે છે કે મજૂરી, ડીઝલ અને કૃષિ સાધનોના જાળવણી ખર્ચ જેવા નાના પરંતુ મહત્વના ખર્ચ માટે પીએમ-કિસાન યોજના મોટું પીઠબળ પૂરું પાડે છે. આવી સહાય ખેડૂતોને ખેતીમાં ટકી રહેવા માટે આત્મવિશ્વાસ આપે છે.
યોજનાની વિશેષતા એ છે કે સમગ્ર સહાય સીધી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા ખેડૂતોના ખાતામાં જમા થાય છે. વચેટિયાઓ અને ભ્રષ્ટાચારને સંપૂર્ણપણે દૂર કરવા માટે કેન્દ્ર સરકારે ટેક્નોલોજી આધારિત પારદર્શક વ્યવસ્થા અમલમાં મૂકી છે.યોજનાની વિશ્વસનીયતા વધારવા માટે જમીનના ડિજિટલ રેકોર્ડ સાથે લેન્ડ સીડિંગ, આધાર સીડિંગ અને ઈ-કેવાયસી જેવી ત્રિ-સ્તરીય ચકાસણી પ્રક્રિયા ફરજિયાત બનાવવામાં આવી છે. તેના કારણે લાભ માત્ર સાચા અને હકદાર ખેડૂતો સુધી જ પહોંચી રહ્યો છે.ખેડૂતોને આર્થિક સુરક્ષા, પારદર્શક સહાય અને સમયસર નાણાકીય ટેકો પૂરો પાડતી પીએમ-કિસાન યોજના આજે દેશના કૃષિ ક્ષેત્રમાં પરિવર્તનનું મહત્વપૂર્ણ સાધન બની છે. ગુજરાતમાં યોજનાના વધતા વ્યાપ અને કરોડો રૂપિયાની સીધી સહાય ખેડૂતોના જીવનમાં ગુણાત્મક બદલાવ લાવી રહી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.