Gujarat

11 જૂનથી નર્મદા નહેરોમાં છોડાશે સિંચાઈનું પાણી

ગાંધીનગર : રાજ્યના ખેડૂતોને ખરીફ પાકની વાવણી પૂર્વે મોટી રાહત આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી 11 જૂન, ગુરુવારથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ખેડૂતોની પાણીની જરૂરિયાત અને વર્તમાન કૃષિ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલા આ નિર્ણયથી નર્મદા કમાન્ડ વિસ્તારના લાખો ખેડૂતોને સીધો લાભ મળશે. નર્મદા કમાન્ડ વિસ્તારના ધારાસભ્યો અને સાંસદોએ મુખ્યમંત્રી સમક્ષ સિંચાઈ માટે વહેલી તકે પાણી છોડવાની રજૂઆત કરી હતી. ખેડૂતોની લાગણી અને કૃષિ હિતને પ્રાથમિકતા આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રજૂઆતનો તાત્કાલિક સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.

મુખ્યમંત્રીએ નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓની ઉચ્ચસ્તરીય બેઠક બોલાવીને સરદાર સરોવર જળાશય તથા નર્મદા યોજનામાં ઉપલબ્ધ પાણીના જથ્થાની વિસ્તૃત સમીક્ષા કરી હતી. બેઠકમાં ખેડૂતોને સમયસર સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવવાની જરૂરિયાત પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. સમીક્ષા બાદ મુખ્યમંત્રીએ આયોજન કરતાં પણ વહેલા ખેડૂતોને પાણી ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લઈને 11 જૂનથી નર્મદા નહેરોમાં પાણી છોડવા માટે સ્પષ્ટ દિશા-નિર્દેશો આપ્યા હતા. આ નિર્ણયથી ખરીફ સીઝનની શરૂઆતમાં જ ખેડૂતોને પાક માટે જરૂરી પાણી મળી રહેશે અને વાવણીની કામગીરીને વેગ મળશે.

રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની રાહ જોતા ખેડૂતો માટે નર્મદાનું પાણી જીવનદાયી સાબિત થશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે મહત્વપૂર્ણ સહારો મળશે. સમયસર પાણી મળવાથી ખેતી ખર્ચમાં રાહત મળશે તેમજ પાક ઉત્પાદન વધવાની આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયને રાજ્ય સરકારના ખેડૂતકેન્દ્રિત અને સંવેદનશીલ અભિગમના વધુ એક ઉદાહરણ તરીકે જોવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કૃષિ, સિંચાઈ અને જળસંચય ક્ષેત્રે સતત લેવામાં આવતા નિર્ણયો ખેડૂતોને વધુ મજબૂત અને આત્મનિર્ભર બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે.

Most Popular

To Top