અમદાવાદ : સુરતના વેડ દરવાજા વિસ્તારમાં થયેલા કથિત ‘ભૂતિયા ડિમોલિશન’ મુદ્દે ભાજપ સરકાર, પોલીસ અને વહીવટી તંત્રની મીલી ભગત છે. ડિમોલિશન માટે જવાબદાર બિલ્ડરો, પોલીસ અધિકારીઓ અને અન્ય સંકળાયેલા લોકો સામે લેન્ડ ગ્રેબિંગ સહિતના ગુનાઓ નોંધવાની અને તેમને જેલમાં મોકલવાની કોગ્રેસે માંગ કરી છે. સાથે જ આગામી ૩ દિવસમાં જવાબદારો સામે FIR કરવામાં નહીં આવે તો, પ્રદેશ કોંગ્રેસ સુરત જઈને સ્થાનિક નેતા રહીશો સાથે ઉગ્ર આંદોલન કરશે.
ભાજપના રાજમાં ચાલતું ભૂતિયા ડિમોલિશન અંગે પ્રદેશ કોગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, વેડદરવાજાના નાસીરનગરમાં મનપા અને પોલીસની હાજરીમાં અચાનક બુલડોઝરો લાવીને ગરીબોના ૧૦૦ કરતાં પણ વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા. આ અમાનવીય તોડફોડ બાદ જ્યારે જવાબદારી અંગે સવાલો પૂછવામાં આવ્યા, ત્યારે મનપા કમિશનર અને પોલીસ તંત્ર દ્વારા આ કાર્યવાહીમાં કોઈ હાથ ન હોવાનો દાવો કરીને પલ્લું ઝાડી લેવામાં આવ્યું છે. સત્તાવાર આદેશ વિના આટલા મોટા પાયે ‘ભૂતિયું ડિમોલિશન’ કોણે કર્યું અને આ ગેરકાયદેસર પ્રક્રિયા માટે પોલીસ પ્રોટેક્શન કોણે પૂરું પાડ્યું ? તે સવાલો આજે પણ વણઉકલ્યા છે. દસ દિવસથી સતત રજૂઆતો છતાં કોઈ પોલીસ કાર્યવાહી થઈ નથી. બિલ્ડરોને ફાયદો કરાવવા માટે પોલીસ, પ્રશાસન, કમિશનર અને ત્યાનાં વતની ઉપ મુખ્યમંત્રી સહિતના લોકોની આમાં ભાગીદારી રહેલી છે. જે પણ પોલીસ અધિકારીઓએ ખોટી રીતે પોલીસ રક્ષણ આપ્યું તથા જે લોકો સામેલ હોય તેની સામે FIR કરો. જો FIR કરવામાં નહીં આવે તો અગામી ત્રણ દિવસ પછી પ્રદેશ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ સુરત જશે. ત્યા સ્થાનિક નેતા અને લોકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ લડાઈ ગરીબોના ન્યાયની લડાઈ છે, જ્યા સુધી ન્યાય ન મળે ત્યા સુધી લડત આગળ પણ ચાલુ રહેશે.
અસરગ્રસ્ત પરિવારો માટે સુરત શહેર કોંગ્રેસ-પ્રદેશ કોંગ્રેસ માંગણી કરે છે.
(1) શહેર વિકાસ અર્થે સુ-મનપા ડિમોલિશન થયેલ નાસીર નગર સ્લમ વસાહતનાં અસરગ્રસ્ત પરિવારોનું તાકીદે સર્વે કરી એમને સુમનપા સ્થાયી સમિતિના ઠરાવ નં. ૧૮૩૮/૨૦૦૭ (તા. ૨૮/૧૨/૨૦૦૭) અથવા ઠરાવ નં. ૬૭૧/૨૦૨૬ (૯/૩/૨૦૨૬) મુજબ તાત્કાલિક અસર થી વૈકલ્પિક આવાસની ફાળવણી કરવી.
(2) નાસીર નગર સ્લમ વસાહતનાં તમામ કાચા-પાકા મકાનોના ઘરવેરા બીલ સુમનપા નોર્થ (કતારગામ) ઝોન આકારણી વિભાગ થી દરવર્ષે આવે છે તેમજ પ્રાથમિક સુવિધાઓના કાર્ય પણ સદર ઝોન દ્વારા થતા હોય ત્યારે આ સ્લમ વસાહતને સેન્ટ્રલ ઝોન કાર્યપાલક ઈજનેર જયંત જીવનરામજીવાલા અને એની ટીમ દ્વારા સ્લમ વસાહતના વૈકલ્પિક આવાસ ફાળવણી માટે સ્થાયી સમિતિ દ્વારા થયેલ વિવિધ ઠરાવોને ધ્યાને લીધા વિના માત્રને માત્ર બિલ્ડર હિતને પ્રાધાન્ય આપવા ડિમોલિશન કરેલ હોય આવા ભ્રષ્ટ કાર્યપાલક ઈજનેર જયંગ જીવનરામજીવાલાને એની ફરજમાં કરેલી ગંભીર ચૂક સાથેની બેદરકારી બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા.