Gujarat

અમદાવાદમાંથી 31.81 લાખનો ડુપ્લિકેટ ઘીનો જથ્થો ઝડપાયો

અમદાવાદ : અમદાવાદ શહેરમાં શુદ્ધ ગાયના ઘીના નામે વેચાણ કરવામાં આવી રહેલા શંકાસ્પદ ડુપ્લિકેટ ઘી સામે અમદાવાદ મનપાના ફૂડ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના ત્રણ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી કુલ 4,850 કિલોગ્રામ શંકાસ્પદ ગાયનું ઘી વેચાણ માટે જપ્ત કરવામાં આવ્યું છે. આ જપ્ત કરાયેલા જથ્થાની અંદાજિત કિંમત રૂ. 31.81 લાખ હોવાનું જાણવા મળ્યું છે.

મનપાના દક્ષિણ ઝોનના ઇન્દ્રપુરી વોર્ડ વિસ્તારમાં ડેઝિગ્નેટેડ ઓફિસર અને ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમે તપાસ હાથ ધરતા સીટીએમ નજીક લક્ષ્મણભાઈ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે આવેલી એક જગ્યાએથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. અહીં અરવિંદભાઈ ત્રિકમચંદ નાગર રિધમ કાઉ ઘી અને વચનામૃત કાઉ ઘીના સુપર સ્ટોકિસ્ટ તરીકે કામગીરી કરતા હોવાનું સામે આવ્યું હતું. જેમાં સ્થળ પરથી અંદાજે 3,250 કિલોગ્રામ ઘી મળી આવ્યું હતું, જેની કિંમત રૂ. 21.31 લાખથી વધુ થાય છે. ફૂડ સેફ્ટી અધિકારીઓએ બંને બ્રાન્ડના ઘીના નમૂનાઓ લઈને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપ્યા હતા. સાથે જ સમગ્ર જથ્થાનું વેચાણ તાત્કાલિક અસરથી સ્થગિત કરીને સ્થળને સીલ કરવામાં આવ્યું હતું.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ બંને બ્રાન્ડના ઘીનું ઉત્પાદન દસ્ક્રોઈ તાલુકાના પાલડી-કાકંજ ગામ નજીક ઓડે-પીરાણા રોડ પર આવેલી સાર્થક ફૂડ પ્રોડક્ટ્સ નામની એકમમાં કરવામાં આવે છે.

તપાસ દરમિયાન મનપાને આ જ ઉત્પાદનોના અન્ય બે વિતરકો અંગે પણ માહિતી મળતા, જેના આધારે વટવામાં આવેલી વીરકૃપા ટ્રેડિંગ અને દૂધેશ્વરમાં આવેલી ત્રિશાલા એજન્સી ખાતે અલગ-અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરતાં બંને સ્થળોએથી કુલ 1,600 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો વેચાણ માટે સીઝ કરવામાં આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. 10.49 લાખ થાય છે.

આમ, મનપાના ફૂડ વિભાગે શહેરમાં હાથ ધરેલી સંયુક્ત કાર્યવાહીમાં કુલ 4,850 કિલોગ્રામ શંકાસ્પદ ગાયનું ઘી જપ્ત કર્યું છે. આ જથ્થાના નમૂનાઓ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. પરીક્ષણના અહેવાલો મળ્યા બાદ વેપારીઓ અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

Most Popular

To Top