Vadodara

બાજવા વિસ્તારમાં બુટલેગરોનો આતંક, નજીવી બાબતે ત્રણ યુવકો પર તલવાર વડે જીવલેણ હુમલો

કરોડિયા મહેશ્વરી ફાટક પાસે મોડી રાત્રે 15 થી 20 લોકોના ટોળાએ યુવકોને ઢોર માર માર્યો, સમગ્ર પંથકમાં ભયનો માહોલ

ઈજાગ્રસ્તો સયાજી હોસ્પિટલમાં દાખલ, જવાહર નગર પોલીસે બુટલેગરો અને તેમના પરિવાર સામે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

(પ્રતિનિધિ), વડોદરા. તા.9

વડોદરાના બાજવા વિસ્તારમાં મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. બાજવાના કરોડિયા મહેશ્વરી ફાટક પાસે નજીવી બાબતે શરૂ થયેલો ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે, સ્થાનિક બુટલેગરો અને તેમના પરિવારે તલવાર જેવા ધારદાર હથિયારો વડે ત્રણ નિર્દોષ યુવકો પર જીવલેણ હુમલો કરી દીધો હતો. 15 થી 20 લોકોના હિંસક ટોળાએ યુવકોને રસ્તા પર ઢોર માર મારતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. તમામ ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ લોહિયાળ ખેલ મોડી રાત્રે આશરે ૧૨:૦૦ થી ૧૨:૩૦ વાગ્યાની આસપાસ ખેલાયો હતો. ઉમિયા નગર ખાતે રહેતો એક યુવક દરરોજની જેમ પોતાનું કામ પતાવીને રાત્રે ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન કરોડિયા મહેશ્વરી ફાટક પાસે કોઈ બાબતે બોલાચાલી થતી જોઈને તે કુતૂહલવશ ત્યાં ઊભો રહ્યો હતો. આ બાબતથી ઉશ્કેરાઈને ત્યાં હાજર સ્થાનિક બુટલેગરો અને તેમના સાગરીતોએ આ નિર્દોષ યુવક પર હુમલો કરી દીધો હતો. યુવક કંઈ સમજે તે પહેલાં જ તેના પર ધારદાર હથિયારોના ઘા ઝીંકવાનું શરૂ કરી દેવાયું હતું.

હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલા યુવકોના પરિવારે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. પીડિત પરિવારના સભ્યોએ આક્ષેપ કર્યો છે કે વિસ્તારમાં બુટલેગરોનો ત્રાસ વધી ગયો છે. તેમણે પોલીસ તંત્ર પાસે માંગ કરી છે કે ગુનાહિત માનસિકતા ધરાવતા આ તમામ નરાધમો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે દાખલારૂપ સજા ફટકારવામાં આવે.

બનાવ સાથે રાડારાડ અને ચીસાચીસ થતાં આસપાસમાંથી અન્ય બે યુવકો પોતાના મિત્રને બુટલેગરોના ચુંગાલમાંથી છોડાવવા અને બચાવવા માટે વચ્ચે પડ્યા હતા. પરંતુ રક્તરંજીત બનેલા હુમલાખોરોએ માનવતા નેવે મૂકીને બચાવવા આવેલા બંને યુવકો પર પણ તલવાર અને અન્ય હથિયારો વડે તૂટી પડ્યા હતા. આક્ષેપ છે કે, બુટલેગરો અને તેમના પરિવારના સભ્યો જેમાં ડિમ્પલબેન, દક્ષાબેન, રાજારામ, અને કાળુભાઈ સહિત આશરે ૧૫ થી ૨૦ લોકોના ટોળાએ ભેગા મળીને ત્રણેય યુવકોને ઘેરી લીધા હતા અને રસ્તા પર પાડીને બેરહેમીપૂર્વક ઢોર માર માર્યો હતો.

હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં ત્રણેય યુવકોને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ લોહિયાળ ઘટનાની જાણ થતાં જ જવાહર નગર પોલીસ મથકનો કાફલો તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્તો અને તેમના પરિવારના નિવેદનો નોંધીને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે ફરાર થઈ ગયેલા બુટલેગરો અને તેમના સાગરીતોને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top