અમદાવાદ : ગુજરાતમાં ઉનાળાનો પ્રકોપ યથાવત્ રહેતા અમદાવાદમાં મંગળવારે 42 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. જોકે કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દેશના વધુ વિસ્તારોમાં આગળ વધતાં ગુજરાતમાં પણ વરસાદી ગતિવિધિઓ સક્રિય થવાના સંકેત મળ્યા છે.
હવામાન વિભાગે 10 જૂનથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દમણ, દીવ અને દાદરા-નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે શુષ્ક રહ્યું હતું. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો ન હતો. કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં નીચું જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ નોંધાયું હતું.
16 જૂન સુધી વરસાદની આગાહી
- 10, 11 અને 12 જૂને દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં તેમજ દમણ અને દાદરા-નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યતા છે.
- 13 જૂને વરસાદી પ્રવૃત્તિનો વિસ્તાર વધતાં છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
- 14 જૂને દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાઓ તેમજ દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે છાંટા પડી શકે છે.
- 15 અને 16 જૂને પંચમહાલ,દાહોદ, મહિસાગર સહિત વડોદરા દક્ષિણ ગુજરાતમાં ભરુચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે.
સુરતમાં મહત્તમ તાપમાનમાં આંશિક વધારો, 12 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો
સુરતઃ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબ સાગર પરથી ભેજવાળા પવનો રાજ્ય તરફ આગળ વધી રહ્યા હોવાથી આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે. હાલમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્ર અને કર્ણાટક સુધી સક્રિય રીતે આગળ વધી રહ્યું છે. આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન પડોશી રાજ્યોમાં તેની વ્યાપક અસર બાદ ગુજરાતમાં પણ ચોમાસા પૂર્વેની વરસાદી પ્રવૃત્તિઓ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વેધર મોડલ્સ મુજબ 14 જૂન સુધી દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. સુરત શહેરમાં આજે મહત્તમ તાપમાન આંશિક વધીને 35.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે લઘુત્તમ તાપમાન અડધો ડિગ્રી વધીને 29.5 ડિગ્રી નોંધાયું હતું. હવામાં 66 ટકા ભેજ સાથે 12 કિમી પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ પશ્ચિમનો પવન ફૂંકાતા શહેરમાં બફારાનો માહોલ યથાવત રહ્યો હતો. જોકે આગામી દિવસોમાં વરસાદી ઝાપટાં શરૂ થતાં ગરમીમાંથી લોકોને રાહત મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જુદા જુદા શહેરોમાં નોંધાયેલું તાપમાન
| શહેર | તાપમાન |
|---|---|
| અમદાવાદ | 42 ડિગ્રી |
| ભાવનગર | 41 ડિગ્રી |
| રાજકોટ | 41 ડિગ્રી |
| સુરેન્દ્રનગર | 41 ડિગ્રી |
| ગાંધીનગર | 41 ડિગ્રી |
| વિદ્યાનગર | 41 ડિગ્રી |
| ડીસા | 40 ડિગ્રી |