મુંબઈના બાંદરા વિસ્તારમાં રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના નામે કરોડો રૂપિયાની કથિત છેતરપિંડીનો હાઈપ્રોફાઈલ મામલો સામે આવ્યો છે. બોલિવુડ અભિનેતા જાવેદ જાફરીની પત્ની હબીબા જાફરીની ફરિયાદના આધારે 16.24 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. કેસમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના કે-નોર્થ વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર મહેશ પાટીલ સહિત કુલ છ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મહેશ પાટીલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્શનનો આદેશ 5 જૂને જારી કરવામાં આવ્યો હતો અને 7 જૂને તેમને સત્તાવાર રીતે બજાવવામાં આવ્યો હતો. ફરિયાદ મુજબ, હબીબા જાફરીની મહેશ પાટીલ સાથે પ્રથમ મુલાકાત BMCની ઓફિસમાં થઈ હતી. ત્યાં પાટીલે બાંદરાના એક રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને નફાકારક રોકાણ તરીકે રજૂ કરીને તેમાં મૂડીરોકાણ કરવાની સલાહ આપી હતી.
તેમણે પ્રોજેક્ટમાં તમામ રોકાણ એક બિઝનેસમેન મારફતે કરવાની ભલામણ કરી હતી.આરોપ છે કે રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે પ્રોજેક્ટ સંબંધિત સરકારી રજીસ્ટ્રેશનના નકલી દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા. આ દસ્તાવેજોને અસલી હોવાનું દર્શાવીને હબીબા જાફરી, જાવેદ જાફરી, તેમના સંબંધી નાવેદ જાફરી સહિત અન્ય લોકોને પ્રોજેક્ટમાં રોકાણ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ચેક, રોકડ રકમ, વિદેશી ચલણ તેમ જ મોંઘી લક્ઝરી ઘડિયાળોના સ્વરૂપમાં કરોડો રૂપિયાનું રોકાણ મેળવ્યું હતું. ફરિયાદ અનુસાર કુલ 16.24 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં કાર્યવાહી કરતા બિઝનેસમેન નિશિત પટેલની ધરપકડ કરી છે. ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. પોલીસ હવે નાણાકીય વ્યવહારો, દસ્તાવેજો અને અન્ય સંડોવાયેલા લોકોની ભૂમિકા અંગે તપાસ કરી રહી છે. આ મામલે મહેશ પાટીલ અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે.
ગયા વર્ષે નવેમ્બરમાં આ જ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કથિત અનિયમિત રોકાણના આરોપોને પગલે તેમને એક મહિના માટે ફરજિયાત રજા પર મોકલવામાં આવ્યા હતા. જોકે, તે સમયે તેમણે પોતાના પર લાગેલા તમામ આરોપોને ફગાવી દીધા હતા. તાજેતરમાં હબીબા જાફરીને સમગ્ર મામલાની જાણ થતાં તેમણે ખાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ગુનાહિત કાવતરું, છેતરપિંડી અને અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મુંબઈ પોલીસ હવે કરોડો રૂપિયાના આ કથિત કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તપાસ એ દિશામાં પણ ચાલી રહી છે કે શું આ પ્રોજેક્ટના નામે અન્ય રોકાણકારોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા અને છેતરપિંડીનું જાળું કેટલું વ્યાપક હતું. કેસમાં આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.