World

પાક અધિકૃત કાશ્મીરમાં ફરી તણાવ, JAACના સમર્થકો અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ

PoKમાં JAAC શું છે? પાકિસ્તાની સેના શા માટે કરી રહી છે કાર્યવાહી, જાણો સમગ્ર મામલો

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં છેલ્લા કેટલાક દિવસોથી તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે. પાકિસ્તાન સરકાર અને સુરક્ષા દળો દ્વારા JAAC (જોઇન્ટ અવામી એક્શન કમિટી) સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.pok ના અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન, ધરપકડો અને સુરક્ષા દળો સાથે અથડામણના બનાવો સામે આવ્યા છે. આ સમગ્ર ઘટનાક્રમને કારણે PoKમાં રાજકીય અને સામાજિક અસંતોષ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

JAAC શું છે?
JAAC એટલે કે જોઇન્ટ અવામી એક્શન કમિટી (Joint Awami Action Committee). આ સંગઠનની રચના વર્ષ 2023 દરમિયાન કરવામાં આવી હતી. તેમાં વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો, વકીલો, વિદ્યાર્થીઓ અને વિવિધ નાગરિક સંગઠનોના પ્રતિનિધિઓ જોડાયેલા છે. શરૂઆતમાં આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ PoKમાં વધતી મોંઘવારી, મોંઘી વીજળી, ઘઉંના ઊંચા ભાવ, સામાન્ય લોકોના આર્થિક પ્રશ્નો સામે અવાજ ઉઠાવવાનો હતો.JAACએ થોડા જ સમયમાં PoKમાં એક પ્રભાવશાળી જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું હતું. સંગઠન દ્વારા અનેક હડતાલો, રેલીઓ અને વિરોધ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને સ્થાનિક લોકોનો મોટો ટેકો મળ્યો હતો.

JAACની મુખ્ય માંગણીઓ શું છે?
JAAC દ્વારા કુલ 38 મુદ્દાઓનો ચાર્ટર રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્યત્વે:
વીજળીના દરોમાં ભારે ઘટાડો
ઘઉં અને લોટ પર સબસિડી
સ્થાનિક લોકોને સસ્તી વીજળીનો લાભ
સરકારી નેતાઓ અને અધિકારીઓને મળતી વિશેષ સુવિધાઓમાં ઘટાડો
પાકિસ્તાનમાં વસતા કાશ્મીરી શરણાર્થીઓ માટે અનામત 12 વિધાનસભા બેઠકો દૂર કરવાની માંગ
જેવી માંગણીઓનો સમાવેશ થાય છે.

સરકાર સાથે સમજૂતી છતાં વિવાદ યથાવત
વર્ષ 2024માં JAACના ઉગ્ર આંદોલન બાદ પાકિસ્તાન અને PoK સરકારને નમવું પડ્યું હતું. સરકારે ઘઉં અને વીજળીના ભાવમાં રાહત આપવાની જાહેરાત કરી હતી અને JAACની મોટાભાગની માંગણીઓ સ્વીકારી હતી. જોકે બે મહત્વની માંગણીઓ હજુ પણ અધૂરી રહી હતી.

આ બે મુદ્દા હતા:
રાજકીય અને બ્યુરોક્રેટિક વર્ગની વિશેષ સુવિધાઓમાં કાપ.
વિધાનસભામાં શરણાર્થીઓ માટે અનામત 12 બેઠકો રદ કરવી.
આ મુદ્દાઓને લઈને JAAC અને સરકાર વચ્ચે વિવાદ યથાવત રહ્યો હતો.

તાજેતરમાં શું બન્યું?
તાજેતરમાં PoKની સર્વોચ્ચ અદાલતે કાશ્મીરી શરણાર્થીઓ માટે અનામત 12 બેઠકો યથાવત રાખવાનો નિર્ણય આપ્યો હતો.અદાલતે જણાવ્યું કે બેઠકો બંધારણીય સુરક્ષા હેઠળ આવે છે અને બંધારણીય સુધારા વગર તેને રદ કરી શકાય નહીં.
આ ચુકાદા બાદ JAACએ વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી. બીજી તરફ, PoK સરકારે JAACને જાહેર વ્યવસ્થા અને સુરક્ષા માટે ખતરો ગણાવી તેના પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ત્યારબાદ સંગઠનના અનેક કાર્યકરો અને સમર્થકોની ધરપકડ કરવામાં આવી હતી.

સુરક્ષા દળો અને JAAC સમર્થકો વચ્ચે અથડામણ
પ્રતિબંધ બાદ પણ JAACએ પોતાનો વિરોધ કાર્યક્રમ પાછો ખેંચવાનો ઇનકાર કર્યો હતો. જેના કારણે અનેક શહેરોમાં તણાવ વધી ગયો હતો. રાવલાકોટ સહિતના વિસ્તારોમાં JAACના સમર્થકો, સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણોમાં અનેક લોકોના મોત થયા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. જેમાં સુરક્ષા કર્મચારીઓ તેમજ JAAC સાથે સંકળાયેલા લોકોનો પણ સમાવેશ થાય છે. અનેક વાહનો અને સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું પણ જણાવાયું છે.

પાકિસ્તાન સરકાર JAACથી શા માટે ચિંતિત છે?
વિશ્લેષકોના મતે JAAC માત્ર આર્થિક મુદ્દાઓ સુધી મર્યાદિત નથી રહ્યું. સંગઠન હવે PoKમાં રાજકીય અને વહીવટી માળખામાં મોટા ફેરફારોની માંગ કરી રહ્યું છે. ખાસ કરીને શરણાર્થી બેઠકો દૂર કરવાની માંગને પાકિસ્તાનના પ્રભાવને પડકારરૂપ માનવામાં આવે છે.JAACના આંદોલનને સ્થાનિક જનસમર્થન મળતું હોવાથી સરકાર તેને સંભવિત રાજકીય પડકાર તરીકે પણ જોઈ રહી છે. આ જ કારણસર તાજેતરમાં તેના પર પ્રતિબંધ મૂકી કડક કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું માનવામાં આવે છે.

PoKમાં વધતી અશાંતિ
PoKમાં ચાલી રહેલી આ પરિસ્થિતિએ ફરી એકવાર ત્યાંના લોકોમાં અસંતોષ અને રાજકીય અસ્થિરતાની સ્થિતિ ઊભી કરી છે. JAACનું કહેવું છે કે તે સામાન્ય લોકોના હક્કો માટે લડી રહી છે, જ્યારે સરકાર તેને કાયદો અને વ્યવસ્થા માટે ખતરો ગણાવી રહી છે.આગામી દિવસોમાં JAAC અને સરકાર વચ્ચેનો ટકરાવ વધુ ઉગ્ર બની શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર PoKમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

Most Popular

To Top