ઘોડાના મોઢામાંથી એક કલાક બાદ મળેલો અંગૂઠાનો ભાગ બરફમાં રાખીને હોસ્પિટલ પહોંચાડતા સર્જરી રહી સફળ
સુરત જિલ્લાના માંગરોળ ગામમાં એક દુર્લભ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં યુકેમાં વસવાટ કરતા એક એનઆરઆઈ ઘોડાપ્રેમી ગંભીર અકસ્માતનો ભોગ બન્યા હતા. પોતાના પ્રિય ઘોડાને ગાજર ખવડાવતી વખતે ઘોડાએ ગાજર સાથે તેમના જમણા હાથના અંગૂઠાનો અડધો ભાગ ચાવી લેતા હડકંપ મચી ગયો હતો. જોકે સમયસર સારવાર, પરિવારજનોની સતર્કતા, ડોક્ટરોની કુશળતાના કારણે કાપાયેલો અંગૂઠો ફરીથી સફળતા પૂર્વક હાથ સાથે જોડી શકાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ માંગરોળ ગામના રહેવાસી અને હાલ યુકેમાં સ્થાયી થયેલા સલીમભાઈને ઘોડાઓ પ્રત્યે વિશેષ લગાવ છે. તેઓ પોતાના વતનમાં આવેલા ફાર્મહાઉસ પર અનેક ઘોડાઓનું પાલન-પોષણ કરે છે. ઘોડાઓની સંભાળ અને તાલીમ માટે તેઓ સમયાંતરે યુકેથી ભારત આવતા રહે છે.તાજેતરમાં સલીમભાઈએ અંદાજે 12 લાખ રૂપિયાની કિંમતનો એક નવો ઘોડો ખરીદ્યો હતો. નવા ઘોડાની દેખરેખ અને તેને તાલીમ આપવા માટે તેઓ થોડા દિવસ પહેલાં જ યુકેથી માંગરોળ આવ્યા હતા. બે દિવસ પહેલાં બપોરના સમયે તેઓ પોતાના ફાર્મહાઉસ ખાતે ઘોડાને ગાજર ખવડાવી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ઘોડાએ ગાજર સાથે તેમના જમણા હાથનો અંગૂઠો પણ મોઢામાં લઈ લીધો અને જોરથી ચાવી લેતા અંગૂઠાનો અડધો ભાગ કપાઈ ગયો હતો.
અકસ્માત સર્જાતા જ પરિવારજનો અને ફાર્મના કર્મચારીઓ દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા સલીમભાઈને તાત્કાલિક સારવાર માટે સુરત લઈ જવાની તૈયારી કરવામાં આવી હતી. પરંતુ સૌથી મોટી મુશ્કેલી એ હતી કે કાપાયેલો અંગૂઠાનો ભાગ ઘોડાના મોઢામાં જ અટવાઈ ગયો હતો.પરિવારજનો અને કર્મચારીઓએ લગભગ એક કલાક સુધી ભારે જહેમત ઉઠાવી હતી. આખરે ઘોડાના મોઢામાંથી અંગૂઠાનો કપાયેલો ભાગ બહાર કાઢવામાં સફળતા મળી હતી. ત્યારબાદ તેને તાત્કાલિક બરફમાં સુરક્ષિત રાખવામાં આવ્યો હતો, જેથી શરીરથી અલગ થયેલા ભાગને યોગ્ય સ્થિતિમાં હોસ્પિટલ સુધી પહોંચાડી શકાય.
સલીમભાઈને સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં પહોંચતાની સાથે જ પ્લાસ્ટિક અને માઇક્રોવાસ્ક્યુલર સર્જરીના નિષ્ણાત તબીબોની ટીમે તાત્કાલિક ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે ડોક્ટરો માટે આ એક પડકારજનક સર્જરી હતી, કારણ કે અંગૂઠાના નસો, રક્તવાહિનીઓ અને ટિશ્યૂઝને ફરીથી જોડવાની પ્રક્રિયા અત્યંત જટિલ હોય છે. લગભગ ચાર કલાક સુધી ચાલેલી માઇક્રો સર્જરી બાદ અંગૂઠાનો કપાયેલો ભાગ સફળતાપૂર્વક ફરીથી હાથ સાથે ડોક્ટરો એ જોડી આપ્યો હતો. હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર સર્જરી સફળ રહી છે અને હાલ દર્દીની સ્થિતિ સ્થિર છે. આગામી દિવસોમાં અંગૂઠામાં રક્તપ્રવાહ અને કાર્યક્ષમતા સામાન્ય રહે છે કે નહીં તેની સતત દેખરેખ રાખવામાં આવશે.
પરિવારજનોના જણાવ્યા મુજબ, આ દુર્ઘટના છતાં સલીમભાઈનો ઘોડાઓ પ્રત્યેનો પ્રેમ અને લાગણી યથાવત છે. તેઓ સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ ફરી પોતાના ફાર્મહાઉસ પર જઈ ઘોડાઓની સંભાળ જાતે જ લેવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે.
તબીબોના મતે, શરીરનો કોઈ ભાગ કપાઈ જાય ત્યારે તેને યોગ્ય રીતે બરફમાં સુરક્ષિત રાખીને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો તેને ફરીથી જોડવાની શક્યતાઓ ઘણી વધી જાય છે. આ ઘટનામાં પણ પરિવારજનોની સતર્કતા અને ઝડપી નિર્ણયના કારણે અંગૂઠો બચાવવામાં મોટી સફળતા મળી છે.
માંગરોળની આ ઘટના હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. સાથે જ તે પાલતુ અને તાલીમબદ્ધ પ્રાણીઓ સાથે કામ કરતી વખતે પણ પૂરતી સાવચેતી રાખવાની જરૂરિયાત તરફ ધ્યાન દોરે છે. સમયસર સારવાર, આધુનિક તબીબી તકનીક અને નિષ્ણાત ડોક્ટરોના પ્રયાસોથી એક મહત્વપૂર્ણ અંગ બચી જતાં પરિવારજનોમાં પણ રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે.