ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 13 જૂનથી શરૂ થનારી ત્રણ મેચોની વનડે સીરિઝ પહેલા ભારતીય ક્રિકેટ ચાહકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ટીમના કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ફિટનેસ અંગે ચાલી રહેલા સસ્પેન્સ વચ્ચે ટીમના બેટિંગ કોચ સિતાંશુ કોટકે હકારાત્મક સંકેત આપ્યા છે. તેમના નિવેદન બાદ બંને ખેલાડીઓ સીરિઝમાં રમશે તેવી આશા વધુ મજબૂત બની છે. અફઘાનિસ્તાન સામેની વનડે સીરિઝ માટે જાહેર કરાયેલી ભારતીય ટીમમાં રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે, બીસીસીઆઈએ બંને ખેલાડીઓને ફિટનેસ ટેસ્ટ પાસ કરવાની શરત સાથે ટીમમાં સ્થાન આપ્યું હતું. આ કારણે છેલ્લા કેટલાક દિવસોથી બંને ખેલાડીઓની ઉપલબ્ધતા અંગે સતત ચર્ચા ચાલી રહી હતી. હવે ટીમ મેનેજમેન્ટ તરફથી આવેલા સંકેતોએ ચાહકોને મોટી રાહત આપી છે.અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચમાં ભારતની જીત બાદ મીડિયા સાથે વાતચીત દરમિયાન બેટિંગ કોચ સિતાંશુ કોટકેએ જણાવ્યું હતું કે તેમને બંને ખેલાડીઓની ફિટનેસ અંગે સંપૂર્ણ વિગતો ઉપલબ્ધ નથી, પરંતુ જે માહિતી મળી રહી છે તેના આધારે રોહિત અને હાર્દિક બંને ફિટ થઈ શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વનડે સીરિઝ શરૂ થાય તે પહેલાં ખેલાડીઓ માટે એક હળવું ટ્રેનિંગ સેશન પણ યોજવામાં આવી શકે છે, જેથી તેમની મેચ ફિટનેસનું અંતિમ મૂલ્યાંકન થઈ શકે.રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા બંને IPL 2026 દરમિયાન ઈજાના કારણે પરેશાન રહ્યા હતા. રોહિત હેમસ્ટ્રિંગની સમસ્યાનો સામનો કરી રહ્યો હતો, જેના કારણે તે કેટલીક મહત્વપૂર્ણ મેચોમાં રમ્યો નહોતો. બીજી તરફ હાર્દિક પંડ્યાને પીઠમાં દુખાવો અને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોને કારણે મેદાનથી દૂર રહેવું પડ્યું હતું. જોકે IPLના અંતિમ તબક્કામાં બંને ખેલાડીઓ પોતાની ફ્રેન્ચાઇઝી સાથે ફરી જોડાઈ ગયા હતા, જેના કારણે તેમની ફિટનેસમાં સુધારો થયો હોવાના સંકેત મળ્યા હતા.રોહિતને તેની ફ્રેન્ચાઇઝી દ્વારા સંપૂર્ણ ફિટ જાહેર કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી હતી, પરંતુ ભારતીય ટીમ માટે રમતા પહેલા બીસીસીઆઈની મેડિકલ ટીમ અને સેન્ટર ઓફ એક્સેલન્સની મંજૂરી જરૂરી છે. હાલમાં બેંગલુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ બંને ખેલાડીઓની ફિટનેસ પર નજીકથી નજર રાખી રહ્યું છે. સત્તાવાર રીતે બંને ખેલાડીઓએ ત્યાં રિપોર્ટ કર્યો છે કે નહીં તેની પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં તેઓ ફિટનેસ સંબંધિત પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવાનું જોવા મળ્યું છે.ટીમ મેનેજમેન્ટ માટે રોહિત અને હાર્દિકની વાપસી ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. રોહિત શર્માનો અનુભવ અને બેટિંગ લાઇનઅપમાં તેમની હાજરી ટીમને મજબૂત બનાવે છે, જ્યારે હાર્દિક પંડ્યા બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
આવનારા સમયમાં મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટોને ધ્યાનમાં રાખીને પણ બંને ખેલાડીઓની ફિટનેસ ભારતીય ટીમ માટે અત્યંત મહત્વની છે.અફઘાનિસ્તાન સામેની વનડે સીરિઝ 13 જૂને ધર્મશાલામાં શરૂ થશે. બીજી મેચ 17 જૂને લખનૌમાં અને ત્રીજી તથા અંતિમ મેચ 20 જૂને ચેન્નઈમાં રમાશે. આ સીરિઝમાં યુવા ખેલાડીઓ માટે પણ પોતાની પ્રતિભા સાબિત કરવાની મોટી તક રહેશે. ખાસ કરીને યશસ્વી જયસ્વાલ પર સૌની નજર રહેશે, જે સતત સારા પ્રદર્શનથી ટીમમાં પોતાનું સ્થાન મજબૂત બનાવવા પ્રયાસ કરશે.હવે તમામની નજર બીસીસીઆઈની અંતિમ ફિટનેસ મંજૂરી પર છે. જો રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા બંને ફિટ જાહેર થાય છે, તો અફઘાનિસ્તાન સામેની સીરિઝમાં ભારતીય ટીમ વધુ મજબૂત દેખાશે અને ચાહકોને તેમના મનપસંદ સ્ટાર્સને ફરી મેદાન પર જોવા મળશે.