જોતજોતામાં વિકરાળ બની આગ, ઘરવખરી-અનાજ સહિતનો સામાન બળીને ખાખ
કાલોલ: કાલોલ તાલુકાના મીરાપુરી ગામે મંગળવારે સાંજે શોર્ટ સર્કિટના કારણે બે રહેણાંક મકાનોમાં ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે થોડા જ સમયમાં બંને મકાનો તેની લપેટમાં આવી ગયા હતા. આગની ઘટનામાં મકાનોમાં રાખવામાં આવેલી ઘરવખરી, અનાજનો જથ્થો અને અન્ય કિંમતી સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

ધુમાડાના ગોટેગોટા અને આગની ઊંચી જ્વાળાઓ જોઈ ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ પોતાના સ્તરે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ આગની તીવ્રતા સામે તેમના પ્રયાસો પૂરતા સાબિત થયા નહોતા.
ફાયર બ્રિગેડની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી, સાંસદ-ધારાસભ્યે લીધી મુલાકાત
આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડની સતર્ક કામગીરીને કારણે આગ આસપાસના અન્ય મકાનો સુધી ફેલાતી અટકી ગઈ હતી, જેના કારણે મોટી હોનારત ટળી હતી.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર સામે આવ્યા નથી. જોકે, આગથી અસરગ્રસ્ત બંને પરિવારોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. ઘટનાને પગલે વહીવટી તંત્ર દ્વારા નુકસાનીનું આંકલન કરવા પંચનામા સહિતની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ અને કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ તાત્કાલિક મીરાપુરી ગામે પહોંચ્યા હતા. બંને આગેવાનોએ પરિસ્થિતિની સમીક્ષા કરી વહીવટી તંત્ર, અગ્નિશામક વિભાગ અને સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી રાહત અને બચાવ કામગીરી અંગે જરૂરી સૂચનાઓ આપી હતી. સાથે જ અસરગ્રસ્ત પરિવારોને શક્ય તેટલી વહેલી તકે સહાય મળી રહે તે માટે તંત્રને સૂચના આપવામાં આવી હતી.
ગામમાં ચિંતાનો માહોલ, સહાયની માંગ ઉઠી
આગની ઘટનાએ સમગ્ર મીરાપુરી ગામને હચમચાવી દીધું છે. ઘરવખરી અને જીવનજરૂરી સામાન ગુમાવનારા પરિવારોને તાત્કાલિક સરકારી સહાય અને પુનર્વસનની માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે. ગામલોકોએ ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી.
રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા