Charotar

પેટલાદમાં પીએમ આવાસ યોજનાના હપ્તા માટે રૂ. ૮ હજાર લાંચ લેતા ફિલ્ડ એન્જિનિયર પકડાયો

રૂ. ૪ લાખની મકાન સહાય મંજૂર કરાવવાના બદલામાં કુલ ૫૦ હજારની માંગણી કરી હતી
આણંદ.
પેટલાદ શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ હેઠળ મંજૂર થયેલી મકાન સહાયના બદલામાં લાંચની માંગણી કરનાર ફિલ્ડ એન્જિનિયરને આણંદ એસીબીએ તારીખ ૦૯મી જૂન, ૨૦૨૬ના રોજ રૂ. ૮,૦૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ કેસમાં એક ખાનગી વ્યક્તિની સંડોવણી પણ બહાર આવી છે, જે હાલ ફરાર છે.
આ કેસની ટૂંક વિગત મુજબ, એક જાગૃત નાગરિકના પિતાના નામે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ. ૪ લાખની સહાય મંજૂર થઈ હતી. આ સહાયના વ્યવહાર પેટે જયેશ ડાહ્યાભાઇ જાદવ (ફિલ્ડ એન્જીનીયર, વેપકોસ લીમીટેડ) અને અન્ય એક ખાનગી વ્યક્તિ નગીન રાજુભાઇ તળપદાએ કુલ રૂ. ૫૦ હજારની લાંચની માંગણી કરી હતી.
જ્યારે મકાન સહાયનો પ્રથમ હપ્તો રૂ. ૭૦ હજાર ફરિયાદીના ખાતામાં જમા થયો, ત્યારે આરોપીઓએ રૂ. ૧૦ હજારની માંગણી કરી હતી. જે પૈકી રૂ. બે હજાર આરોપી નગીનભાઇએ અગાઉ સ્વીકારી લીધા હતા અને બાકીના રૂ. આઠ હજારની માંગણી ચાલુ રાખી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આણંદ એન્ટી કરપ્શન બ્યૂરો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદના આધારે એસીબીની ટીમે પેટલાદના કોલેજ ચોકડી નજીક, રિલાયન્સ સ્માર્ટ બજારના પાર્કિંગ પાસે લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ છટકા દરમિયાન ફિલ્ડ એન્જિનિયર જયેશ જાદવ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ. આઠ હજારની લાંચ સ્વીકારતા સ્થળ પર જ પકડાઇ ગયા હતા. જોકે, બીજો આરોપી નગીન સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો. બંને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુનાહિત ગેરવર્તણૂક આચરી હોવાથી એસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સફળ ટ્રેપ આણંદ એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. વિરાણી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરીનું સુપરવિઝન એસીબી અમદાવાદ એકમના મદદનીશ નિયામક એમ.એચ. પુવાર અને ઇન્ચાર્જ નાયબ નિયામક હરેશ મેવાડા દ્વારા કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top