‘અવિરત વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ’ અભિયાન હેઠળ મંદિરોમાં પ્રાર્થના અને સ્વચ્છતા અભિયાન
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અડાલજના ત્રિમંદિરમાં, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરે ઉપસ્થિત રહ્યા.
ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સતત 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત ભાજપા દ્વારા રાજ્યવ્યાપી ધાર્મિક અને જનસંપર્ક કાર્યક્રમોની શ્રેણી શરૂ કરવામાં આવી છે. ’12 વર્ષ અવિરત વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના’ અભિયાન અંતર્ગત આવતીકાલે બુધવારે રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરોમાં વિવિધ મંદિરો ખાતે મહાઆરતી યોજાશે. આ કાર્યક્રમોમાં ભાજપા આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કાર્યકરો તેમજ સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ભાગ લેશે અને વડાપ્રધાનના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરશે.
આ અભિયાનનો મુખ્ય રાજ્યસ્તરીય કાર્યક્રમ આવતીકાલે ગાંધીનગરના અડાલજ સ્થિત ત્રિમંદિરમાં યોજાશે, જ્યાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સવારે 7 વાગ્યે મહાઆરતીમાં ઉપસ્થિત રહેશે. સાંજે 7 વાગ્યે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા વડનગરના પૌરાણિક હાટકેશ્વર મહાદેવ મંદિરે યોજાનારી મહાઆરતીમાં જોડાશે.
ભાજપાના પ્રદેશ મહામંત્રીઓ પણ રાજ્યના વિવિધ પ્રખ્યાત ધાર્મિક સ્થળોએ મહાઆરતીમાં સહભાગી બનશે. પ્રશાંત કોરાટ દેવમોગરા, અનિરૂદ્ધ દવે કચ્છના માતાના મઢ, અજય બ્રહ્મભટ્ટ વડનગર અને હિતેન્દ્રસિંહ ચૌહાણ પાવાગઢ ખાતે યોજાનારી મહાઆરતીમાં હાજરી આપશે.
રાજ્ય સરકારના મંત્રીઓ, પ્રદેશ પદાધિકારીઓ, સાંસદો, ધારાસભ્યો, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના ચૂંટાયેલા સભ્યો અને ભાજપા આગેવાનો પોતાના વિસ્તારના નિર્ધારિત દેવસ્થાનોમાં ઉપસ્થિત રહી કાર્યક્રમમાં ભાગ લેશે. રાજ્યભરમાં સાંજે 7 વાગ્યે એકસાથે મહાઆરતી યોજાશે. પ્રદેશ ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ, આ કાર્યક્રમોનો ઉદ્દેશ માત્ર ધાર્મિક આસ્થા વ્યક્ત કરવાનો નથી, પરંતુ છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશના વિકાસ, સુશાસન અને જનકલ્યાણ માટે થયેલા કાર્યો પ્રત્યે જનસમર્થન અને વિશ્વાસનો સંદેશ પણ પહોંચાડવાનો છે. મહાઆરતી સાથે સાથે રાજ્યભરમાં મહાપુરુષોની પ્રતિમાઓની સફાઈ, સ્વચ્છતા અભિયાન અને જાહેર સ્થળોએ જનજાગૃતિ પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવશે. ભાજપા સંગઠન દ્વારા કાર્યકરોને સ્થાનિક નાગરિકોની વિશાળ ભાગીદારી સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપવામાં આવી છે.આ અભિયાનને આવનારા દિવસોમાં વિકાસ કાર્યોના પ્રદર્શન, લાભાર્થી સંપર્ક કાર્યક્રમો અને જનકલ્યાણ યોજનાઓ અંગે જનજાગૃતિ અભિયાન સાથે વધુ વ્યાપક બનાવવામાં આવશે.