અમદાવાદનું કાંકરિયા લેકફ્રન્ટ બન્યું ગુજરાતનું સૌથી લોકપ્રિય શહેરી પ્રવાસન કેન્દ્ર
VGRC પૂર્વે પ્રવાસન આધારિત વિકાસનું સફળ મોડલ બની ઊભર્યું કાંકરિયા; સ્થાનિક અર્થતંત્રને મળ્યો જંગી વેગ
ગાંધીનગર
ઉનાળુ વેકેશન-2026 દરમિયાન અમદાવાદનું કાંકરિયા લેકફ્રન્ટ પ્રવાસીઓ માટે સૌથી પસંદગીનું મનોરંજન અને પ્રવાસન કેન્દ્ર બનીને ઊભર્યું છે. માત્ર 38 દિવસના ગાળામાં 6.72 લાખથી વધુ મુલાકાતીઓએ કાંકરિયાની મુલાકાત લઈને અહીંની આધુનિક સુવિધાઓ, મનોરંજન પ્રવૃત્તિઓ અને કુદરતી સૌંદર્યનો આનંદ માણ્યો છે. પ્રવાસીઓની આ જંગી સંખ્યા કાંકરિયાને ગુજરાતના સૌથી સફળ શહેરી પ્રવાસન પ્રોજેક્ટ્સમાં સ્થાન અપાવી રહી છે.આગામી 29 અને 30 જૂને વડોદરામાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)માં પ્રવાસન અને સંસ્કૃતિ ક્ષેત્રને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યું છે ત્યારે કાંકરિયા લેકફ્રન્ટ ગુજરાતના પ્રવાસન આધારિત વિકાસના શ્રેષ્ઠ મોડલ તરીકે ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા મુજબ 27 એપ્રિલથી 3 જૂન, 2026 દરમિયાન કુલ 6,72,785 લોકોએ કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાત લીધી હતી. દરરોજ હજારો લોકો પરિવાર સાથે અહીં ઉમટી રહ્યા છે, જે કાંકરિયાની વધતી લોકપ્રિયતાનું પ્રતિબિંબ છે.
ઐતિહાસિક તળાવથી વર્લ્ડ-ક્લાસ ડેસ્ટિનેશન સુધીની સફર
એક સમયે માત્ર ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખ ધરાવતું કાંકરિયા તળાવ આજે આધુનિક શહેરી પ્રવાસનનું પ્રતિક બની ગયું છે. વર્ષ 2008માં હાથ ધરાયેલા વ્યાપક રિડેવલપમેન્ટ બાદ કાંકરિયાને વિશ્વસ્તરીય લેકફ્રન્ટ તરીકે વિકસાવવામાં આવ્યું હતું. 25 ડિસેમ્બર, 2008ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કાંકરિયા લેકફ્રન્ટ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારથી કાંકરિયાએ પ્રવાસન, મનોરંજન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું જીવંત કેન્દ્ર તરીકે આગવી ઓળખ ઉભી કરી છે.
પ્રવાસનથી અર્થતંત્રને નવી ગતિ
કાંકરિયા લેકફ્રન્ટ માત્ર પ્રવાસન સ્થળ નથી, પરંતુ શહેરના અર્થતંત્રને વેગ આપતું મહત્વપૂર્ણ કેન્દ્ર પણ બની ગયું છે. લાખો પ્રવાસીઓના આગમનથી હોટેલ, રેસ્ટોરન્ટ, ફૂડ કોર્ટ, પરિવહન, રિટેલ અને મનોરંજન ઉદ્યોગોને સીધો લાભ મળી રહ્યો છે.સ્થાનિક વેપારીઓ માટે કાંકરિયા આવકનું મહત્વપૂર્ણ સાધન બન્યું છે, જ્યારે હજારો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો પણ ઉપલબ્ધ થઈ છે. શહેરી વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓને ગતિ આપવાના દ્રષ્ટિકોણથી કાંકરિયાની સફળતા અન્ય શહેરો માટે પણ પ્રેરણારૂપ બની રહી છે.
VGRC માટે મહત્વનું મોડલ
મધ્ય ગુજરાત માટે યોજાનારી VGRC કોન્ફરન્સમાં પ્રવાસન અને સંસ્કૃતિ ક્ષેત્રના વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. કાંકરિયા લેકફ્રન્ટની સફળતા દર્શાવે છે કે સુઆયોજિત માળખાકીય સુવિધાઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને પ્રવાસન વિકાસમાં કરવામાં આવેલા રોકાણો કેવી રીતે શહેરના સર્વાંગી વિકાસને વેગ આપી શકે છે. વિશેષજ્ઞોના મતે, કાંકરિયાએ માત્ર અમદાવાદની ઓળખ મજબૂત કરી નથી, પરંતુ ગુજરાતને અગ્રણી પ્રવાસન રાજ્ય તરીકે સ્થાપિત કરવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.કાંકરિયા લેકફ્રન્ટ આજે એ વાતનો પુરાવો છે કે યોગ્ય આયોજન, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રવાસનને કેન્દ્રમાં રાખીને કરવામાં આવેલ વિકાસ શહેરોને નવી ઓળખ આપી શકે છે. વધતી મુલાકાતીઓની સંખ્યા, સર્જાતી રોજગારી અને સ્થાનિક અર્થતંત્રમાં આવી રહેલી ગતિ ગુજરાતના પ્રવાસન વિકાસની સફળ ગાથા રજૂ કરે છે.