ગુજરાતમાં 5.96 લાખથી વધુ મહિલાઓ બની આર્થિક રીતે આત્મનિર્ભર; મહિલા સશક્તિકરણની નવી ક્રાંતિ
મોદી સરકારના 12 વર્ષમાં ‘વીમેન-લેડ ડેવલપમેન્ટ’ને મળ્યો વેગ, હજારો મહિલાઓ લાખોની આવક સાથે બની સફળ ઉદ્યોગસાહસિક
ગાંધીનગર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 12 વર્ષમાં મહિલા સશક્તિકરણને નવી દિશા મળી છે. ‘વીમેન-લેડ ડેવલપમેન્ટ’ના વિઝનને સાકાર કરતી વિવિધ યોજનાઓ વચ્ચે ‘લખપતિ દીદી યોજના’ આજે ગ્રામ્ય ભારત અને ખાસ કરીને ગુજરાતમાં મહિલાઓના આર્થિક પરિવર્તનની સફળ ગાથા બની છે. રાજ્યમાં અત્યાર સુધી 5.96 લાખથી વધુ મહિલાઓ ‘લખપતિ દીદી’ બની ચૂકી છે, જે માત્ર આંકડો નથી પરંતુ ગ્રામ્ય અર્થતંત્રમાં મહિલાઓની વધતી ભાગીદારી અને આત્મનિર્ભરતાનું જીવંત પ્રતિબિંબ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપનીએ રાજ્યમાં 10 લાખ સંભવિત લખપતિ દીદીઓની ઓળખ કરી છે. તેમાંની લગભગ 6 લાખ મહિલાઓએ વાર્ષિક એક લાખ રૂપિયાથી વધુ આવક હાંસલ કરીને પોતાના પરિવાર અને સમાજમાં નવી ઓળખ ઉભી કરી છે.
રાજ્ય સરકારે યોજનાના અસરકારક અમલીકરણ માટે જિલ્લા અને તાલુકા સ્તરે 124 માસ્ટર ટ્રેનરોની નિમણૂક કરી છે. આ ટ્રેનરો દ્વારા કૃષિ સખી, પશુ સખી અને બેંક સખી સહિત 10 હજારથી વધુ કોમ્યુનિટી રિસોર્સ પર્સન્સને તાલીમ આપવામાં આવી છે, જેના કારણે યોજનાનો વ્યાપ ગામડાં સુધી પહોંચ્યો છે.
સ્વસહાય જૂથોથી સર્જાઈ સફળતાની નવી કહાનીઓ
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના નોગામા ગામની ભાવનાબેન પટેલ આજે રાજ્યની સફળ લખપતિ દીદી તરીકે ઓળખાય છે. વર્ષ 2014માં ગાયત્રી સખીમંડળ સાથે જોડાયેલી ભાવનાબેને સ્વસહાય જૂથની મદદથી કેન્ટીન અને કેટરિંગ વ્યવસાય શરૂ કર્યો હતો. આજે તેઓ નવસારી કલેક્ટર કચેરીમાં કેન્ટીન ચલાવે છે અને કેટરિંગ સેવાઓ પણ પૂરી પાડે છે.
કેન્ટીન વ્યવસાયમાંથી રૂ. 2 લાખ, કેટરિંગમાંથી રૂ. 5 લાખ, કૃષિમાંથી રૂ. 1 લાખ અને અન્ય સ્ત્રોતોમાંથી રૂ. 2.16 લાખ સહિત તેમની કુલ વાર્ષિક આવક રૂ. 10.16 લાખ સુધી પહોંચી છે. એક સામાન્ય ગ્રામ્ય મહિલા આજે સફળ ઉદ્યોગસાહસિક તરીકે ઉભરી આવી છે.
કુદરતી શરબતથી શિલ્પાબેનની લાખોની કમાણી
ખેડા જિલ્લાના નેનપુર ગામની શિલ્પાબેન પંડ્યાએ ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. સ્વસહાય જૂથમાંથી મળેલી પ્રેરણા અને તાલીમના આધારે તેમણે કુદરતી શરબતના ઉત્પાદનનો વ્યવસાય શરૂ કર્યો હતો.
આજે પંચામૃત, લીંબુ, સ્ટ્રોબેરી અને જામફળ જેવા કુદરતી શરબતોના ઉત્પાદન દ્વારા તેઓ વાર્ષિક રૂ. 10 લાખ જેટલી આવક મેળવી રહ્યા છે. તેમના આ ઉદ્યોગથી અન્ય મહિલાઓને પણ રોજગારી અને આવકની નવી તકો મળી રહી છે.
મહિલાઓને મળી રહી છે નવી ઓળખ
લખપતિ દીદી યોજના હેઠળ મહિલાઓને માત્ર નાણાકીય સહાય જ નહીં, પરંતુ તાલીમ, માર્કેટિંગ, ધિરાણ અને વ્યવસાયિક માર્ગદર્શન પણ આપવામાં આવે છે. પરિણામે, હજારો મહિલાઓ ઘરઆંગણેથી બહાર આવીને નાના ઉદ્યોગો, કૃષિ આધારિત પ્રવૃત્તિઓ, પશુપાલન, ફૂડ પ્રોસેસિંગ અને સેવા ક્ષેત્રોમાં સફળતા હાંસલ કરી રહી છે.વિશેષજ્ઞોના મતે, આ યોજના માત્ર મહિલાઓની આવક વધારતી નથી, પરંતુ તેમને નિર્ણય પ્રક્રિયામાં ભાગીદાર બનાવી સામાજિક અને આર્થિક સશક્તિકરણ તરફ આગળ ધપાવે છે.
ગ્રામ્ય અર્થતંત્રને મળી રહી છે નવી તાકાત
ગુજરાતમાં લખપતિ દીદી યોજના હવે માત્ર સરકારી યોજના નહીં, પરંતુ ગ્રામ્ય પરિવર્તનનું એક શક્તિશાળી માધ્યમ બની છે. રાજ્યભરમાં હજારો મહિલાઓ પોતાના વ્યવસાય ઉભા કરીને પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત બનાવી રહી છે અને ગ્રામ્ય અર્થતંત્રને નવી ગતિ આપી રહી છે.મહિલાઓના નેતૃત્વ હેઠળ વિકાસના વડાપ્રધાનના વિઝનને સાકાર કરતી આ યોજના આજે ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.