Gujarat

આદિવાસી ગૌરવના મહાનાયક બિરસા મુંડાને ગુજરાતની શ્રદ્ધાંજલિ

આદિવાસી સ્વાભિમાન, અધિકારો અને સામાજિક ન્યાય માટેનું તેમનું જીવન સંઘર્ષ આજે પણ પ્રેરણાસ્ત્રોત : નરેશ પટેલ

બિરસા મુંડાની પુણ્યતિથિએ જનજાતિ ગૌરવના મહાનાયકને યાદ કરી મહાનુભાવોએ અર્પ્યાં શ્રદ્ધાસુમન

ગાંધીનગર

ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી આદિવાસી યોદ્ધા, સમાજ સુધારક અને જનજાતિ ગૌરવના પ્રતિક ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે આજે ગાંધીનગર સ્થિત બિરસા મુંડા ભવન ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ સહિત મહાનુભાવોએ ભગવાન બિરસા મુંડાના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના જીવન, સંઘર્ષ અને રાષ્ટ્રસેવાના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાએ પોતાના સમગ્ર જીવન દરમિયાન આદિવાસી સમાજના અધિકારો, સ્વાભિમાન અને સામાજિક ન્યાય માટે અવિરત સંઘર્ષ કર્યો હતો. બ્રિટિશ શાસનની દમનકારી નીતિઓ સામે તેમણે જે શૌર્ય અને નેતૃત્વ દર્શાવ્યું હતું તે આજે પણ દેશના યુવાનો અને આદિવાસી સમાજ માટે પ્રેરણાનું પ્રતિક છે.

તેમણે જણાવ્યું હતું કે બિરસા મુંડાએ માત્ર રાજકીય લડત જ નહીં, પરંતુ સામાજિક જાગૃતિ, સ્વચ્છતા, આત્મસન્માન અને સામૂહિક વિકાસનો પણ મજબૂત સંદેશ આપ્યો હતો. તેમના વિચારો આજે પણ સમાજને વિકાસ, સમાનતા અને એકતાના માર્ગે આગળ વધારવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે.

પટેલે કહયું હતું કે દેશના આદિવાસી સમાજને પોતાના હકો અને ઓળખ માટે લડવાની પ્રેરણા બિરસા મુંડાના જીવનમાંથી મળી છે. આદિવાસી ગૌરવ અને સ્વાભિમાનને રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠા અપાવવામાં તેમનું યોગદાન ઐતિહાસિક છે.કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ બિરસા મુંડાના આદર્શોને જીવનમાં ઉતારીને આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ માટે સતત કાર્યરત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

બ્રિટિશ સામ્રાજ્ય સામે ‘ઉલ્ગુલાન’ની હાકલ

ભગવાન બિરસા મુંડાનો જન્મ 15 નવેમ્બર, 1875ના રોજ વર્તમાન ઝારખંડ રાજ્યના ઉલિહાતુ ગામમાં થયો હતો. ખૂબ નાની વયે તેમણે આદિવાસી સમાજ પર થતા અન્યાય, જમીનદારી શોષણ અને બ્રિટિશ શાસનની દમનકારી નીતિઓ સામે અવાજ ઉઠાવ્યો હતો.તેમના નેતૃત્વ હેઠળ શરૂ થયેલી ‘ઉલ્ગુલાન’ (મહાક્રાંતિ) ચળવળ આદિવાસી અધિકારો, સ્વરાજ અને સામાજિક ન્યાય માટેના ઐતિહાસિક સંઘર્ષ તરીકે ઓળખાય છે. આંદોલન દરમિયાન તેમણે આદિવાસી સમાજમાં એકતા, આત્મવિશ્વાસ અને સ્વાભિમાનનો સંચાર કર્યો હતો.બિરસા મુંડાએ સ્થાપેલી સામાજિક અને ધાર્મિક ચળવળ ‘બિરસાઇઝમ’ને કારણે લોકો તેમને ‘ધરતી આબા’ અને ‘ભગવાન બિરસા’ તરીકે માન આપવા લાગ્યા હતા. તેમના પ્રભાવ અને લોકપ્રિયતાથી ગભરાયેલી બ્રિટિશ સરકારે તેમને અનેક વખત કેદ કર્યા હતા.માત્ર 25 વર્ષની વયે 9 જૂન, 1900ના રોજ રાંચી જેલમાં તેમનું અવસાન થયું હતું, પરંતુ તેમના વિચારો અને સંઘર્ષ આજે પણ દેશના કરોડો આદિવાસીઓ માટે પ્રેરણાનું જીવંત પ્રતિક બની રહ્યા છે.

કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી પી.સી. બરંડા, કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી રમેશ કટારા, રમતગમત અને યુવક સેવા રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામીત, વિધાનસભાના દંડક વિજય પટેલ, ટ્રાયબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના કાર્યપાલક નિયામક ડૉ. સી.સી. ચૌધરી, સંયુક્ત કમિશનર ભાવેશ દવે સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને આદિવાસી સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top