India

TMC બાદ હવે ઉદ્ધવ સેનામાં પણ બળવાના સંકેત

લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતી તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે NDA

દેશના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં સર્જાયેલા આંતરિક વિવાદ અને બળવા બાદ હવે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT)માં પણ અસંતોષના અવાજો ઉઠવા લાગ્યા હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ભાજપના નેતૃત્વ હેઠળનું રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (NDA) લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતીના આંકડા તરફ આગળ વધી રહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે

તાજેતરમાં TMCના અનેક સાંસદોએ પક્ષના નેતૃત્વ સામે ખુલ્લો બળવો જાહેર કર્યો હતો. બળવાખોર જૂથનો દાવો છે કે તેમને લોકસભાના 19થી 20 જેટલા સાંસદોનું સમર્થન પ્રાપ્ત છે. આ સંખ્યા પક્ષના કુલ સાંસદોના બે-તૃતીયાંશ જેટલી હોવાનું કહેવાઈ રહ્યું છે. બળવાખોર સાંસદો લોકસભા અધ્યક્ષ સમક્ષ અલગ જૂથ તરીકે માન્યતા મેળવવા માટે રજૂઆત કરવાની તૈયારીમાં છે.આ બળવાના કારણે મમતા બેનર્જીની પાર્ટી માટે ગંભીર રાજકીય સંકટ ઊભું થયું છે. પક્ષના કેટલાક વરિષ્ઠ નેતાઓએ રાજીનામા આપ્યા છે, જ્યારે કેટલાક સાંસદોએ NDAને સમર્થન આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જોકે આ સાંસદો સીધા ભાજપમાં જોડાવાની જગ્યાએ અલગ સંસદીય જૂથ બનાવી NDAને ટેકો આપવાના વિકલ્પ પર વિચાર કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.

TMCમાં સર્જાયેલા આ રાજકીય ભૂકંપ બાદ હવે મહારાષ્ટ્રના રાજકારણ પર સૌની નજર છે. રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)ના કેટલાક સાંસદો અને નેતાઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જો આગામી દિવસોમાં મોટી સંખ્યામાં સાંસદો એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાને સમર્થન આપે છે, મહારાષ્ટ્રની રાજનીતિમાં વધુ એક મોટો ફેરફાર સાબિત થઈ શકે છે. જોકે હાલ બે-તૃતીયાંશ બહુમતીનો આંકડો પૂર્ણ થયો નથી તથા હાલ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જો TMCના બળવાખોર સાંસદો અને અન્ય પ્રાદેશિક પક્ષોના કેટલાક સભ્યો NDAને સમર્થન આપે છે, તો લોકસભામાં NDAની સંખ્યા વધુ મજબૂત બની શકે છે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારને મહત્વપૂર્ણ કાયદાકીય અને બંધારણીય સુધારા સંબંધિત મુદ્દાઓ પર વધુ રાજકીય બળ મળી શકે છે.પશ્ચિમ બંગાળમાં TMCની અંદર ચાલી રહેલા વિવાદે માત્ર રાજ્યની રાજનીતિ જ નહીં પરંતુ રાષ્ટ્રીય રાજકારણને પણ અસર પહોંચાડી છે. બળવાખોર સાંસદો પોતાને “વાસ્તવિક તૃણમૂલ” તરીકે રજૂ કરવાની તૈયારીમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. આ મુદ્દે લોકસભા અધ્યક્ષની ભૂમિકા મહત્વપૂર્ણ બની શકે છે, કારણ કે પક્ષની માન્યતા અને સંસદીય સ્થિતિ અંગે અંતિમ નિર્ણય સંસદીય પ્રક્રિયા મુજબ લેવામાં આવશે.

બીજી તરફ TMCના વફાદાર નેતાઓએ બળવાખોરોને “વિશ્વાસઘાતી” ગણાવીને તેમની સામે કડક વલણ અપનાવ્યું છે. પક્ષના નેતાઓનું કહેવું છે કે જે સાંસદો NDAને સમર્થન આપવા માંગે છે તેમણે પહેલા પોતાના પદેથી રાજીનામું આપી જનતાનો ફરીથી જનાદેશ મેળવવો જોઈએ.આ સમગ્ર ઘટનાક્રમે દેશના રાજકારણમાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે. પશ્ચિમ બંગાળમાં TMC અને મહારાષ્ટ્રમાં શિવસેના (UBT)માં સંભવિત રાજકીય ઉથલપાથલ વચ્ચે NDA પોતાની સંખ્યાબળની સ્થિતિ વધુ મજબૂત બનાવવાના પ્રયાસોમાં આગળ વધી રહ્યું છે. આગામી દિવસોમાં બળવાખોર સાંસદોની બેઠક, લોકસભા અધ્યક્ષ સમક્ષ થનારી રજૂઆતો અને રાજકીય પક્ષોના નિર્ણયોથી દેશની રાજકીય દિશા પર નોંધપાત્ર અસર પડી શકે છે.

Most Popular

To Top