ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતની સ્વતંત્ર વિદેશ નીતિનું મજબૂત સમર્થન કર્યું છે. ફિનલેન્ડમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમણે રશિયા પાસેથી તેલ ખરીદવાના મુદ્દે અમેરિકા અને યુરોપના દેશો દ્વારા ઉઠાવવામાં આવતા સવાલોનો સ્પષ્ટ અને કડક જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે ભારત કોઈપણ દેશના દબાણ હેઠળ નિર્ણયો લેતું નથી અને હંમેશાં પોતાના રાષ્ટ્રીય હિતોને જ સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. જયશંકરે પશ્ચિમી દેશોના વલણ પર સવાલ ઉઠાવતા કહ્યું કે આજે જે દેશો ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ઉપદેશ આપી રહ્યા છે, એ જ દેશોએ એક સમયે ભારતને રશિયન ઓઇલ ખરીદવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. તેમના કહેવા મુજબ, 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ વૈશ્વિક ઊર્જા બજારમાં ભારે અનિશ્ચિતતા સર્જાઈ હતી. તે સમયે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ અનિયંત્રિત રીતે ન વધે અને પુરવઠો જળવાઈ રહે તે માટે અમેરિકાએ ભારત સહિત અનેક દેશોને રશિયાથી તેલ ખરીદવાનું ચાલુ રાખવા જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે જ્યારે તે સમયે રશિયન ઓઇલની ખરીદી યોગ્ય ગણાતી હતી, ત્યારે હવે ભારત પોતાના હિતમાં તે જ કામ કરે છે તો તેના પર સવાલો કેમ ઉઠાવવામાં આવે છે? જયશંકરે અમેરિકાના આ બદલાતા વલણને ‘ઓન-ઓફ’ નીતિ ગણાવી હતી. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે જ્યારે કોઈ બાબત પશ્ચિમ દેશોને અનુકૂળ હોય ત્યારે તે યોગ્ય ગણાય છે, પરંતુ જ્યારે એ જ બાબત તેમના હિત વિરુદ્ધ જાય ત્યારે તેને ખોટી ગણાવવામાં આવે છે. ભારત આ પ્રકારની રાજનીતિ અને વૈશ્વિક ખેલને સારી રીતે સમજે છે. વિદેશ મંત્રીએ સ્પષ્ટ કર્યું કે ભારતે રશિયા તરફ વળવાનો નિર્ણય કોઈ રાજકીય કે વૈચારિક કારણસર લીધો નહોતો. તેના પાછળ સંપૂર્ણપણે આર્થિક અને વ્યાવહારિક કારણો હતા. રશિયા-યુક્રેન યુદ્ધ પહેલાં ભારતની રશિયન ઓઇલ પર ખાસ નિર્ભરતા નહોતી. પરંતુ યુદ્ધ બાદ વૈશ્વિક ઊર્જા બજારમાં મોટા ફેરફારો થયા હતા.
તેમણે જણાવ્યું કે યુદ્ધ શરૂ થયા બાદ યુરોપના અનેક દેશોએ મિડલ ઇસ્ટના દેશોમાંથી મોટા પ્રમાણમાં તેલ ખરીદવાનું શરૂ કર્યું હતું. મિડલ ઇસ્ટ ભારત માટે પરંપરાગત અને મુખ્ય તેલ સપ્લાયર રહ્યું છે. યુરોપિયન દેશોની વધતી માંગને કારણે ભારત માટે ત્યાંથી પૂરતા પ્રમાણમાં અને સસ્તા ભાવે તેલ મેળવવું મુશ્કેલ બન્યું હતું. આવી સ્થિતિમાં ભારતે પોતાની ઊર્જા સુરક્ષા જાળવવા માટે નવા વિકલ્પો શોધ્યા અને રશિયન ઓઇલ ખરીદવાનું પ્રમાણ વધાર્યું. જયશંકરે ભારપૂર્વક કહ્યું કે ભારત માટે સૌથી મહત્વની બાબત પોતાના નાગરિકોની જરૂરિયાતો અને દેશની અર્થવ્યવસ્થા છે. જો કોઈ વિકલ્પ ભારતને સસ્તું અને ઉપલબ્ધ તેલ પૂરો પાડે છે તો ભારત તે વિકલ્પ પસંદ કરવામાં સંકોચ નહીં કરે. દેશના હિતો સામે કોઈપણ પ્રકારના બાહ્ય દબાણને સ્વીકારવામાં નહીં આવે.
કાર્યક્રમ દરમિયાન યુરોપિયન પ્રતિનિધિઓએ ભારત પર રશિયા પ્રત્યે નૈતિક સહાનુભૂતિ રાખવાનો આક્ષેપ કર્યો હતો. તેના જવાબમાં જયશંકરે ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં યુરોપને અરીસો બતાવ્યો હતો. તેમણે કહ્યું કે કોઈપણ યુરોપીય દેશ પર ક્યારેય ભારતીય હથિયારો દ્વારા હુમલો કરવામાં આવ્યો નથી. પરંતુ ભારતના સંદર્ભમાં તેઓ આવું કહી શકતા નથી, કારણ કે ઘણા યુરોપિયન દેશોએ એવા દેશોને હથિયારો વેચ્યા છે જેનો ઉપયોગ ભારત વિરુદ્ધ કરવામાં આવ્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે ભારતે ક્યારેય એવું કોઈ પગલું ભર્યું નથી જેનાથી યુરોપની સુરક્ષાને જોખમ ઊભું થયું હોય. તેથી ભારતને નૈતિકતા અને જવાબદારી અંગે પાઠ ભણાવતા પહેલાં યુરોપે પોતાના ભૂતકાળ અને વર્તમાન નીતિઓ પર પણ નજર કરવી જોઈએ. જયશંકરના આ નિવેદનને ભારતની આત્મનિર્ભર અને સ્વતંત્ર વિદેશ નીતિના સ્પષ્ટ સંદેશ તરીકે જોવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે વારંવાર સ્પષ્ટ કર્યું છે કે તે વૈશ્વિક મુદ્દાઓ પર કોઈ એક દેશ અથવા ગઠબંધનના દબાણ હેઠળ નહીં, પરંતુ પોતાના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લે છે. રશિયન ઓઇલનો મુદ્દો હોય કે આંતરરાષ્ટ્રીય રાજદ્વારી સંબંધો, ભારતનું વલણ હંમેશાં વ્યાવહારિક અને દેશહિતને કેન્દ્રમાં રાખનારું રહ્યું છે.