Business

ભારતીય પ્રદેશ પર નજર રાખવા પાકિસ્તાને સેટેલાઇટ નેટવર્ક વિકસાવ્યું: ભારતે સતર્ક રહેવું પડશે

ઑપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન યુદ્ધના આરેથી પાછા હઠ્યા તેના એક વર્ષ કરતાં પણ વધુ સમય બાદ, પૃથ્વીથી સેંકડો કિલોમીટર ઉપર એક શાંત વ્યૂહાત્મક સ્પર્ધા ખેલાઈ રહી છે. ભારતે પોતાના ભૂનિરીક્ષણ ઉપગ્રહો વડે પાકિસ્તાનના લશ્કરની હિલચાલ પર નજર રાખવાનું શરૂ કર્યું છે તો  પાકિસ્તાને ચીનના વ્યાપક સમર્થન સાથે, અવકાશ આધારિત દેખરેખ  ક્ષમતાઓનો ઝડપથી વિસ્તાર કર્યો છે.

તેણે માત્ર ૧૬ મહિનામાં છ અર્થ-ઓબ્ઝર્વેશન (પૃથ્વીનું નિરીક્ષણ કરતા) સેટેલાઇટ લોન્ચ કરીને ભારતીય પ્રદેશ પર નિયમિતપણે નજર રાખવા સક્ષમ એક નવું સેટેલાઇટ નેટવર્ક  ઊભું કર્યું છે. તેના આ નેટવર્કના વિકાસની આ અણધારી ગતિ પાકિસ્તાનના પરંપરાગત રીતે અત્યંત ધીમા સ્પેસ પ્રોગ્રામ કરતાં બિલકુલ વિપરીત છે. જો કે પાકિસ્તાનની પોતાની એવી હેસિયત નથી કે તે પોતાના જોરે આવુ નેટવર્ક આટલી ઝડપથી વિકસાવી શકે, આ તેણે દેખીતી રીતે જ ચીનની મદદથી કર્યું છે પરંતુ ભારત માટે તો આ બાબત ચિંતાજનક જ છે.

પાકિસ્તાની અવકાશ સંસ્થા  સ્પેસ એન્ડ અપર એટમોસ્ફિયર રિસર્ચ કમિશન(SUPARCO)ની ૧૯૬૧માં સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીના કેટલાક દાયકાઓમાં પાકિસ્તાને માત્ર ગણતરીના સેટેલાઇટ જ લોન્ચ કર્યા હતા. તેમ છતાં, જાન્યુઆરી ૨૦૨૫થી એપ્રિલ ૨૦૨૬ વચ્ચે, તેણે છ નવા અર્થ-ઓબ્ઝર્વેશન સેટેલાઇટ તૈનાત કર્યા છે, જેમાં ઓપ્ટિકલ ઇમેજિંગ, હાઇપરસ્પેક્ટ્રલ અને રિમોટ-સેન્સિંગ પ્લેટફોર્મનો સમાવેશ થાય છે.

રસપ્રદ વાત એ છે કે, આ લોન્ચિંગની શરૂઆત પહેલગામ હુમલા અને ભારત દ્વારા શરૂ કરાયેલી ‘ઑપરેશન સિંદૂર’ જવાબી કાર્યવાહી પહેલાં જ થઈ ગઈ હતી. નિષ્ણાતોનું કહેવું છે કે આનું મહત્વ માત્ર સેટેલાઇટની સંખ્યામાં નથી, પરંતુ તેઓ સામૂહિક રીતે શું કરી શકે છે તેમાં રહેલું છે. ‘’આ ૧૬ મહિનાના ટૂંકા ગાળામાં જે સેટેલાઇટ નેટવર્ક ઊભું થયું છે તે માત્ર એક સિવિલિયન અર્થ ઓબ્ઝર્વેશન સિસ્ટમ નથી કે જે લશ્કરી ઉપયોગમાં પણ કામ આવી જાય. આનું ઓર્બિટલ આર્કિટેક્ચર, તેના સેન્સર્સ અને સૌથી વધુ તો આની પાછળ રહેલી સંસ્થાઓ એક જુદી અને વધુ ગંભીર વાર્તા બયાન કરે છે’’ તેમ ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ ફ્લેગ ઓફિસર રીઅર એડમિરલ સુધીર પિલ્લાઈએ તાજેતરના લોન્ચિંગનું વિશ્લેષણ કરતા એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું.

‘ધ પ્રિન્ટ’ ના અહેવાલ મુજબ, આ સેટેલાઇટ નેટવર્કમાં હાઇ-રિઝોલ્યુશન ઇમેજરી (ઉચ્ચ ગુણવત્તાવાળી તસવીરો) લેવા, જમીન પર થતા ફેરફારોને ઓળખવા, છુપાવેલી વસ્તુઓ શોધી કાઢવા અને વ્યૂહાત્મક હિત ધરાવતા વિસ્તારો પર સતત નજર રાખવા સક્ષમ સેટેલાઇટ્સનો સમાવેશ થાય છે. આમાં HS-1 સેટેલાઇટ છે જે ઓક્ટોબર ૨૦૨૫માં લોન્ચ કરાયેલ પાકિસ્તાનનો હાઇપરસ્પેક્ટ્રલ સેટેલાઇટ છે જે જુદી જુદી સામગ્રીઓ વચ્ચે તફાવત પારખી શકે છે અને એવી વસ્તુઓને પણ ઓળખી શકે છે જે સામાન્ય ઓપ્ટિકલ સેન્સર્સની નજરમાંથી બચી જતી હોય છે. ઉપરાંત PRSC-EO2 અને PRSC-EO3 ઉપગ્રહો છે જે નવા સેટેલાઇટ્સમાં અદ્યતન ઇમેજિંગ અને AI-આધારિત ડેટા પ્રોસેસિંગ ક્ષમતાઓ સામેલ છે.

આ પ્રગતિનો મોટો હિસ્સો ચીન દ્વારા સંભવ બન્યો છે. આમાંના કેટલાક સેટેલાઇટ ચીની રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય પાકિસ્તાની અને ચીની સંસ્થાઓ વચ્ચેના સહયોગથી વિકસાવવામાં આવ્યા હતા. વિશ્લેષકોનું માનવું છે કે આ ભાગીદારી માત્ર લોન્ચિંગ સેવાઓ પૂરતી સીમિત નથી, પરંતુ તેમાં ટેક્નોલોજી ટ્રાન્સફર, સેટેલાઇટ ડિઝાઇન અને ડેટા શેરિંગની વ્યવસ્થાઓ પણ સામેલ છે. એપ્રિલ ૨૦૨૬માં લોન્ચ થયેલો PRSC-EO3 સેટેલાઇટ એક ખાસ નોંધપાત્ર કિસ્સો છે. યુએસ સ્થિત સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ ફર્મ ‘COMSPOC’ના સ્વતંત્ર વિશ્લેષણ સૂચવે છે કે આ સેટેલાઇટને વૈશ્વિક કવરેજ આપવાને બદલે દક્ષિણ એશિયા પર વારંવાર નજર રાખી શકાય તેવી ઓર્બિટમાં ગોઠવવામાં આવ્યો છે.

આવી ભ્રમણકક્ષા તેને પાકિસ્તાન અને જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર ભારત પરથી વારંવાર પસાર થવા દે છે, જેનાથી દિવસમાં આ વિસ્તારો પર ઘણી વખત નજર રાખી શકાય છે. સ્પેસ અને સંરક્ષણ નિષ્ણાતો દલીલ કરે છે કે આ ઉભરી રહેલી સર્વેલન્સ સિસ્ટમ પાકિસ્તાનને સમગ્ર પ્રદેશમાં સૈન્ય તૈનાતી, માળખાકીય વિકાસ અને વ્યૂહાત્મક પ્રવૃત્તિઓનું વધુ સ્પષ્ટ ચિત્ર પ્રદાન કરી શકે છે. ચીનના પોતાના અત્યાધુનિક અર્થ ઓબ્ઝર્વેશન નેટવર્ક સાથે મળીને, આ સિસ્ટમ ઇસ્લામાબાદની ગુપ્તચર માહિતી એકત્ર કરવાની ક્ષમતામાં મોટો વધારો કરી શકે છે.

આ ઘટના વિકાસ એવા સમયે સામે આવ્યો છે જે ભારત માટે સંવેદનશીલ ગણી શકાય. છેલ્લા બે વર્ષમાં, ઈસરોને તેના કેટલાક વ્યૂહાત્મક સેટેલાઇટ મિશનોમાં આંચકાઓનો સામનો કરવો પડ્યો છે, જેમાં અર્થ-ઓબ્ઝર્વેશન અને નેવિગેશન પ્રોગ્રામ્સને અસર કરતી નિષ્ફળતાઓનો સમાવેશ થાય છે. કેટલાક વિશ્લેષકો ચેતવણી આપે છે કે ભારત એકંદરે સ્પેસ સેક્ટરમાં ઘણું આગળ છે, તેમ છતાં દેશના વ્યૂહાત્મક ફોક્સે પડોશમાં ઝડપથી વિકસતી લશ્કરી-અવકાશ ક્ષમતાઓ સાથે તાલ મિલાવવો જ પડશે. હવેના યુદ્ધો ફક્ત જમીન પરના શસ્ત્રોની મદદથી નહીં પણ અવકાશી ક્ષમતાઓની મદદથી પણ લડાશે એ સ્પષ્ટ થઇ રહ્યું છે અને ચીનની મદદથી પાકિસ્તાનની અવકાશમાં પણ હાજરી વધી રહી છે. પાડોશના બે ખારીલા શત્રુઓ ભેગા મળીને જે પેંતરા રચી રહ્યા છે તેના તરફ જરાયે ગાફેલ રહેવાનું ભારતને પાલવે તેમ નથી, તેણે સંપૂર્ણ સાવધ રહેવું જ પડશે.

Most Popular

To Top