ભાભી સાથેના કથિત આડા સંબંધમાં હત્યાનું કાવતરું, પત્નીની ઉશ્કેરણીથી અંજામ આપ્યાનો પોલીસનો દાવો
ગુમ થયાની ફરિયાદ બાદ ભેદ ઉકેલાયો, કાલોલ પોલીસે બે આરોપીઓની અટકાયત કરી
કાલોલ, તા. 11
કાલોલ તાલુકાના ભાદરોલી બુઝર્ગ ગામમાં એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી હત્યાનો ભેદ ખુલતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ તપાસમાં સામે આવેલા પ્રાથમિક તથ્યો મુજબ, ભાભી સાથેના કથિત પ્રેમસંબંધમાં પોતાના જ પિતરાઈ ભાઈએ 35 વર્ષીય યુવકની હત્યા કરી હતી. હત્યા બાદ પુરાવા નષ્ટ કરવા માટે મૃતદેહના હાથ-પગ કાપી ચેકડેમ નજીક દાટી દેવામાં આવ્યો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર, મૃતક રાજેશભાઈ નરવતસિંહ સોલંકીના લગ્ન શિલ્પાબેન સાથે થયા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે શિલ્પાબેન અને તેમના પિતરાઈ દિયર ધર્મેન્દ્રસિંહ અર્જુનસિંહ સોલંકી વચ્ચે કથિત પ્રેમસંબંધ હતો. આ મુદ્દે પતિ-પત્ની વચ્ચે વારંવાર વિવાદ થતો હોવાનું પોલીસનું કહેવું છે.
પોલીસના જણાવ્યા મુજબ, 4 જૂનની રાત્રે ધર્મેન્દ્રસિંહ રાજેશભાઈને ગામના તળાવ પાસે લઈ ગયો હતો, જ્યાં તેમના માથા પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા હતા. બાદમાં મૃતદેહનો નિકાલ કરવા માટે તેના ટુકડા કરી ચેકડેમ નજીક ખાડો ખોદી દાટી દેવામાં આવ્યો હતો.
રાજેશભાઈ અચાનક ગુમ થઈ જતાં પરિવારજનોએ પોલીસમાં જાણ કરી હતી. તપાસ દરમિયાન ધર્મેન્દ્રસિંહ અને શિલ્પાબેન પણ શંકાના દાયરામાં આવતા પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, પૂછપરછ દરમિયાન ધર્મેન્દ્રસિંહે ગુનાની કબૂલાત કરી હતી અને તેની નિશાનદેહી પરથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથાના ભાગે થયેલી ગંભીર ઇજાઓ મૃત્યુનું કારણ હોવાનું સામે આવ્યું છે. કાલોલ પોલીસે ધર્મેન્દ્રસિંહ અર્જુનસિંહ સોલંકી અને શિલ્પાબેન રાજેશભાઈ સોલંકી વિરુદ્ધ હત્યા, પુરાવાનો નાશ અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓની અટકાયત કરી છે. સમગ્ર મામલે વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.કે. ક્રિશ્ચન દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા