6 કર્મચારીઓના અવસાન,સંઘની લડતની ચીમકી
( પ્રતિનિધિ )વડોદરા,તા.11
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથાવર્ગના કર્મચારીઓને તા. 18 જુલાઈ 2025ના રોજ કાયમી કરવામાં આવ્યા હતા. પરંતુ એક વર્ષ વીતી ગયા છતાં 300થી વધુ નિવૃત કર્મચારીઓનું પેન્શન હજુ સુધી ચાલુ થયું નથી. જેને લઈને કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કાયમી કર્યા બાદ 6 મહિના પછી ચાલુ નોકરીવાળા કર્મચારીઓનો નવીન પગાર ચાલુ થઈ ગયો હતો. પરંતુ હાલ એક વર્ષ પૂર્ણ થયું તો પણ 300 ઉપરાંત નિવૃત કર્મચારીઓના પેન્શન ચાલુ થયા નથી. ચોથાવર્ગ કર્મચારી સંઘ દ્વારા અવારનવાર મૌખિક રજૂઆત કરવા છતાં આજ દિન સુધી પેન્શન ચાલુ થયેલ નથી. પેન્શન અને પગાર ચાલુ થવામાં અનુક્રમે એક વર્ષ અને 6 મહિના જેવો સમય થયો હોવાથી એરિયર્સ પણ ચૂકવવાના બાકી છે. જુલાઈ-2025માં કાયમી કર્યા બાદ આજ દિન સુધીમાં 6 જેટલા નિવૃત કર્મચારીઓના અવસાન થયેલ છે. જેમાં દાંડિયા બજાર ચાર રસ્તા ઉપર ભીખ માંગતા પદ્માબેનનું પણ અવસાન થયેલ છે. ચાલુ નોકરીમાં અવસાન પામેલા કર્મચારીઓને આજદિન સુધી આર્થિક સહાય પણ આપવામાં આવી નથી. આ મુદ્દે ચોથાવર્ગ કર્મચારી સંઘના પ્રમુખ નિલેશ રાજે જણાવ્યું કે, આજકાલમાં તમામ નિવૃત કર્મચારીઓને લઈને સંઘના હોદ્દેદારો શિક્ષણ સમિતિમાં રજૂઆત કરશે. જો તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.