પ્રથમ વર્ષના બાકી વિષયો દૂર કરવા વધુ એક તક આપવા ડીનને રજૂઆત
એક-બે વિષયોની ATKTને કારણે ત્રીજા વર્ષમાં પ્રવેશ અટકતા વિદ્યાર્થીઓમાં ચિંતા
(પ્રતિનિધિ) વડોદરા, તા. 11
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા અને ત્રીજા વર્ષમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક ATKT ધરાવતા વિદ્યાર્થીઓને રાહત આપવા માટે NSUI વિદ્યાર્થી સંગઠન દ્વારા વિશેષ પરીક્ષા યોજવાની માંગ ઉઠાવવામાં આવી છે. આ મુદ્દે સંગઠનના પ્રતિનિધિઓએ કોમર્સ ફેકલ્ટીના ડીનને આવેદનપત્ર પાઠવી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા અપીલ કરી હતી.

મળતી માહિતી મુજબ, કોમર્સ ફેકલ્ટીના અનેક વિદ્યાર્થીઓએ બીજું વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે, પરંતુ પ્રથમ વર્ષના એક અથવા બે વિષયોમાં ATKT બાકી હોવાથી તેઓ યુનિવર્સિટીના વર્તમાન નિયમો મુજબ ત્રીજા વર્ષમાં પ્રવેશ મેળવી શકતા નથી. પરિણામે આવા વિદ્યાર્થીઓનું એક સંપૂર્ણ શૈક્ષણિક વર્ષ બગડવાની શક્યતા ઊભી થઈ છે.

NSUIના પ્રતિનિધિઓએ માંગ કરી છે કે વિદ્યાર્થીઓને ATKT દૂર કરવા માટે ત્વરિત વિશેષ પરીક્ષાનું આયોજન કરવામાં આવે, જેથી તેઓ સમયસર ત્રીજા વર્ષમાં પ્રવેશ મેળવી શકે. વિદ્યાર્થી આગેવાન અમર વાઘેલાએ જણાવ્યું હતું કે માત્ર એક કે બે વિષયોમાં ATKT હોવાના કારણે સમગ્ર વર્ષ અટકી જવું વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને વ્યાવસાયિક ભવિષ્ય માટે નુકસાનકારક છે. યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી વ્યવહારુ નિર્ણય લેવો જોઈએ.

આ અંગે કોમર્સ ફેકલ્ટીના ડીને વિદ્યાર્થીઓની રજૂઆતને યોગ્ય ગણાવી મુદ્દો યુનિવર્સિટી તંત્ર સમક્ષ રજૂ કરવાની ખાતરી આપી હતી. સાથે જ વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે જરૂરી ચર્ચા અને વિચારણા કરવામાં આવશે તેવી બાંહેધરી પણ આપવામાં આવી હતી.
હાલ ATKT ધરાવતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ યુનિવર્સિટીના નિર્ણયની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, જેથી તેમનું શૈક્ષણિક વર્ષ બચી શકે અને તેઓ અભ્યાસમાં આગળ વધી શકે.