Vadodara

સુલેમાની પથ્થર ચમત્કારી હોવાનુ કહી 20 કરોડમાં વેચાણના નામે જ્યોતિષને ફસાવવાનો પ્રયાસ

પથ્થર સાથે રાખો તો ચપ્પુથી પણ ઈજા ન થાય તેવો ડેમો બતાવી જીત્યો વિશ્વાસ, પથ્થર ના ખરીદતા રૂ.50 હજારની માંગ સાથે ધમકી આપી

વડોદરા તા.11

વડોદરામાં અંધશ્રદ્ધા અને લાલચનો સહારો લઈને કરોડોની ઠગાઈ કરવાનો ચોંકાવનારો પ્રયાસ પ્રકાશમા આવ્યો છે. ‘સુલેમાની પથ્થર’ રાખવાથી કોઈપણ હથિયારની ઈજા ન થાય તેવી વાતો કરીને ત્રણ શખ્સોએ રૂ.20 કરોડમાં પથ્થર વેચવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સોદામાં શંકા જતાં ખરીદી નકારનાર જ્યોતિષાચાર્યને આરોપીઓએ રૂ.50 હજારની માંગણી સાથે ધમકી આપતા સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો છે.
વડોદરા શહેરમાં ‘સુલેમાની ચમત્કારી પથ્થર’ના નામે કરોડોની ઠગાઈ કરવાનો પ્રયાસ સામે આવ્યો છે. વાઘોડિયા રોડ પર કલાદર્શન ચાર રસ્તા પાસે રહેતા અને જ્યોતિષ શાસ્ત્રનો વ્યવસાય કરતા યોગેશભાઈ વાઘજીભાઈ પંડ્યાએ નોંધાવેલી ફરિયાદ મુજબ યોગેશભાઈના ડ્રાઈવરે ભાવનગર જિલ્લાના વળાવડ ગામના વિજયસિંહ ગોહીલ વિશે માહિતી આપી હતી. વિજયસિંહે એક વીડિયો મોકલી જણાવ્યું હતું કે તેની પાસે રહેલો કાળો ‘સુલેમાની પથ્થર’ રાખવાથી ચપ્પુ કે અન્ય હથિયારથી ઈજા થતી નથી. વીડિયોમાં દર્શાવાયેલા ડેમો બાદ યોગેશભાઈએ તેનો સંપર્ક કર્યો હતો.ત્યારબાદ વિજયસિંહ ગોહીલ, મહેબુબ, અકરમ અને તેમનો ડ્રાઈવર વડોદરા આવ્યા હતા અને કપુરાઈ ચોકડી પાસેની એક હોટલમાં રોકાયા હતા. અહીં તેમણે પથ્થરનો ચમત્કારીક ડેમો બતાવી વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં ખરીદદાર સમક્ષ પણ પથ્થરનો પ્રયોગ કરી બતાવવામાં આવ્યો હતો.
આરોપીઓએ દાવો કર્યો હતો કે આ ‘સુલેમાની પથ્થર’ની કિંમત રૂ.20 કરોડ છે. યોગેશભાઈ અને તેમના સાથીદારોએ પથ્થર ખરીદવાનો ઇનકાર કરતાં આરોપીઓએ રૂ.50 હજારની માંગણી કરી હતી. એટલું જ નહીં, રૂપિયા નહીં આપો તો ત્યાંથી જવા નહીં દઈએ તેવી ધમકી પણ આપી હતી.
ભયના કારણે યોગેશભાઈ અને તેમના મિત્ર ત્યાંથી નીકળી ગયા હતા. સમગ્ર મામલે ફરિયાદના આધારે પોલીસે વિજયસિંહ ગોહીલ, મહેબુબ અને અકરમ સામે ગુનાહિત કાવતરું રચી ઠગાઈ કરવાનો પ્રયાસ તથા ધમકી આપવા અંગે ગુનો નોંધી તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top