Kalol

કાલોલ હાઇવે પર હિટ એન્ડ રન: ટેન્કરની ટક્કરે એક્ટીવા સવાર યુવક ગંભીર રીતે ઘાયલ

ગફલતભરી રીતે દોડતા ટેન્કરે બર્ગમેન સ્કૂટરને અડફેટે લીધી, યુવક રોડ પર દૂર સુધી ઘસડાયો

ઓપરેશન બાદ સારવાર હેઠળ, માતાની ફરિયાદના આધારે ટેન્કર ચાલક સામે ગુનો નોંધાયો


કાલોલ, તા. 11

કાલોલના ગઘેડી ફળીયા નજીક નેશનલ હાઇવે પર હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે. પુરઝડપે અને બેદરકારીપૂર્વક દોડતા ટેન્કરે એક્ટીવા સવાર યુવકને અડફેટે લેતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ઘાયલ યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સર્જરી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, ગોધરા તાલુકાના વાવડી બુજર્ગ ગામે રહેતા કલ્પેશભાઈ અરવતભાઈ પરમાર (ઉ.વ. 29) ગત 8 જૂનના રોજ પોતાના મામાના પુત્રની બર્ગમેન એક્ટીવા (નંબર GJ-17-CQ-7375) લઈને સાસરી ગામ રામેશરા જવા નીકળ્યા હતા. રાત્રે આશરે 8 વાગ્યે કાલોલ બસ સ્ટેન્ડ પાસેથી આગળ ગઘેડી ફળીયા નજીક પહોંચતા સામેથી આવતા MH-04-NB-1419 નંબરના ટેન્કરના ચાલકે બેફામ ગતિએ વાહન હંકારતાં એક્ટીવાને જોરદાર ટક્કર મારી હતી.

અકસ્માત એટલો ગંભીર હતો કે કલ્પેશભાઈ એક્ટીવા સાથે રોડ પર દૂર સુધી ઘસડાયા હતા. જેના કારણે બંને હાથ અને જમણા પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેઓ લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી તેમને કાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ અને પછી ખાનગી ઓર્થોપેડિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

આ મામલે ઇજાગ્રસ્ત યુવકની માતા સુમિત્રાબેન અરવતભાઈ પરમારે કાલોલ પોલીસ સ્ટેશનમાં ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 281, 125(એ) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177 અને 184 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા

Most Popular

To Top