Karjan

કરજણને મળી સ્વચ્છતાની નવી તાકાત: ₹39.50 લાખનું આધુનિક JCB મશીન લોકાર્પિત

ગુજરાત સરકારની યુડીપી-2025 યોજના હેઠળ નગરપાલિકાને મળ્યું નવું JCB

શહેરની સફાઈ અને વિકાસ કાર્યોને મળશે વેગ, ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે લોકાર્પણ


કરજણ, તા. 10
કરજણ નગરની સ્વચ્છતા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા ગુજરાત સરકાર દ્વારા નગરપાલિકાને આધુનિક JCB મશીન ફાળવવામાં આવ્યું છે. યુડીપી-2025 યોજના અંતર્ગત મળેલા આશરે ₹39.50 લાખના ખર્ચના JCB મશીનનું લોકાર્પણ કરજણ નગરપાલિકા કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું.

આધુનિક સુવિધાઓથી સજ્જ આ JCB મશીનનો ઉપયોગ શહેરમાં સફાઈ, કચરો ઉપાડવાની કામગીરી, ગટર અને ડ્રેનેજ સંબંધિત કામો તેમજ અન્ય નગરસેવા કાર્યોમાં કરવામાં આવશે. નગરપાલિકાને મળેલી આ નવી સુવિધાથી સ્વચ્છતા અભિયાનને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

લોકાર્પણ કાર્યક્રમ કરજણ-શિનોર વિસ્તારના ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે સંપન્ન થયો હતો. આ પ્રસંગે કરજણ નગરપાલિકાના પ્રમુખ ઇલાબા અટાલિયા, ચીફ ઓફિસર મહેન્દ્ર સોલંકી, નગરસેવકો, પાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે શહેરને સ્વચ્છ અને સુવિધાસભર બનાવવા માટે રાજ્ય સરકાર અને નગરપાલિકા દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નવા JCB મશીનના સમાવેશથી કરજણમાં સ્વચ્છતા અને જાહેર સુવિધાઓ સંબંધિત કામગીરી વધુ ઝડપી અને કાર્યક્ષમ બનશે.

રિપોર્ટર: મુકેશ અઠોરા

Most Popular

To Top