Karjan

નારેશ્વરના પવિત્ર ઘાટ પર ડમ્પરનો રહસ્યમય પ્રવેશ! વીડિયો વાયરલ થતાં અનેક સવાલો

મેન ઘાટના પગથિયાં પરથી ડમ્પર સીધું નદી કિનારે ઉતરતાં ચકચાર, સ્થાનિકોમાં આશ્ચર્ય
રાત્રિના સમયે બની ઘટના, પોલીસે તપાસ શરૂ કરતાં સોશિયલ મીડિયામાં ચર્ચાનો માહોલ ગરમાયો
કરજણ, તા. 10
કરજણ તાલુકાના પ્રસિદ્ધ તીર્થસ્થળ નારેશ્વર ખાતે બનેલી એક વિચિત્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નારેશ્વર મંદિરના મુખ્ય ઘાટના પગથિયાં પરથી એક ડમ્પર નીચે ઉતરી સીધું નદી કિનારા સુધી પહોંચતું જોવા મળતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાત્રિના સમયે એક ડમ્પર નારેશ્વર મંદિરના મેન ઘાટ તરફ પહોંચ્યું હતું અને ત્યારબાદ ઘાટના પગથિયાં પરથી નીચે ઉતરી નદી તરફ જતું જોવા મળ્યું હતું. સામાન્ય રીતે શ્રદ્ધાળુઓ અને નદી સ્નાન માટે ઉપયોગમાં લેવાતા ઘાટ પરથી ભારે વાહન ઉતરતાં સ્થાનિકોમાં આશ્ચર્ય અને ચિંતા બંને જોવા મળી હતી.
ઘટના રાત્રિના સમયે બની હોવાથી ઘાટ પર લોકોની અવરજવર ઓછી હતી, જેના કારણે કોઈ જાનહાનિ કે મોટી દુર્ઘટના સર્જાઈ નહોતી. જોકે, જો તે સમયે શ્રદ્ધાળુઓ અથવા અન્ય લોકો હાજર હોત તો ગંભીર અકસ્માત સર્જાવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અનેક સવાલો ઊભા થયા છે. ડમ્પર ઘાટ સુધી કેવી રીતે પહોંચ્યું, તેને ત્યાં લઈ જવાનો હેતુ શું હતો અને કોઈ મંજૂરી લેવામાં આવી હતી કે નહીં તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે.
પોલીસે સમગ્ર ઘટનાની નોંધ લઈને તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. હાલ કરજણ અને નારેશ્વર પંથકમાં આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને સ્થાનિકો સમગ્ર ઘટનાની સત્ય હકીકત બહાર આવે તેવી માંગ કરી રહ્યા છે.

રિપોર્ટર: મુકેશ અઠોરા

Most Popular

To Top