World

અમેરિકાનો ઈરાન પર પ્રચંડ એર સ્ટ્રાઈક, અનેક શહેરોમાં ગૂંજ્યા ધમાકા, મિડલ ઈસ્ટમાં મહાસંઘર્ષની આશંકા

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકાની સૈન્ય કાર્યવાહી બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે સીધી ટકરાવની સ્થિતિ સર્જાતી દેખાઈ રહી છે. અમેરિકન સેનાએ ઈરાનના અનેક વ્યૂહાત્મક અને સૈન્ય મહત્વના ઠેકાણાઓને નિશાન બનાવીને એર સ્ટ્રાઈક કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે, જેના કારણે સમગ્ર મિડલ ઈસ્ટમાં ચિંતાનું વાતાવરણ ઉભું થયું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને સંરક્ષણ સચિવ પીટ હેગસેથે અગાઉ ઈરાનને કડક ચેતવણી આપી હતી. ત્યારબાદ અમેરિકન સેનાએ કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. હુમલા બાદ ઈરાનના સિરીક, મીનાબ, કિશ દ્વીપ અને બંદર અબ્બાસ સહિતના વિસ્તારોમાં જોરદાર વિસ્ફોટોના અહેવાલો મળ્યા છે. સ્થાનિક સ્તરે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ આ કાર્યવાહી અંગે સત્તાવાર પુષ્ટિ કરી છે. સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા નિવેદન અનુસાર, અમેરિકન પ્રમુખના આદેશ બાદ ઈરાનના કેટલાક વિસ્તારોમાં સૈન્ય ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વ્હાઇટ હાઉસનું કહેવું છે કે ઈરાન દ્વારા સતત કરવામાં આવતી ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ અને અમેરિકી હિતો સામેના ખતરાના જવાબરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે.

બીજી તરફ, ઈરાને પણ અમેરિકન હુમલાને અત્યંત ગંભીરતાથી લીધો છે. ઈરાનની સરકારી સમાચાર એજન્સીઓના અહેવાલો મુજબ, હુમલા બાદ દેશના સંવેદનશીલ વિસ્તારોમાં એર ડિફેન્સ સિસ્ટમને હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવી છે. એન્ટી-એરક્રાફ્ટ ગન સહિતની સુરક્ષા વ્યવસ્થા સક્રિય કરવામાં આવી છે જેથી ભવિષ્યમાં કોઈ વધુ હુમલો થાય તો તેનો તરત જવાબ આપી શકાય. ઈરાનના સૈન્ય અધિકારીઓએ અમેરિકાને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું છે કે જો અમેરિકા આગળ પણ આવી કાર્યવાહી ચાલુ રાખશે તો મિડલ ઈસ્ટમાં આવેલા અમેરિકન સૈન્ય મથકો અને વ્યૂહાત્મક હિતો ઈરાનના નિશાના પર આવી શકે છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે કોઈપણ હુમલાનો જવાબ આપવાની ક્ષમતા ધરાવે છે. સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના પ્રતિનિધિએ પણ કડક શબ્દોમાં અમેરિકાની કાર્યવાહીનો વિરોધ કર્યો છે. તેમણે જણાવ્યું કે ધમકી, દબાણ અથવા બળપ્રયોગ દ્વારા ઈરાનને કોઈ સમજૂતી માટે મજબૂર કરી શકાશે નહીં. ઈરાન પોતાની સાર્વભૌમતા અને સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવા તૈયાર નથી.

વધતા તણાવ વચ્ચે બગદાદ સ્થિત અમેરિકન દૂતાવાસે પોતાના નાગરિકો માટે વિશેષ એડવાઈઝરી જાહેર કરી છે. દૂતાવાસે ઈરાક અને આસપાસના વિસ્તારોમાં રહેલા અમેરિકનોને વધુ સાવચેત રહેવા, ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવા અને સુરક્ષા સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપી છે. ટ્રમ્પે પણ ઈરાનને સંદેશ આપતા જણાવ્યું હતું કે શાંતિ અને સમજૂતી માટે ઘણી તકો આપવામાં આવી હતી, પરંતુ ઈરાને તેનો યોગ્ય ઉપયોગ કર્યો નથી. તેમણે હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકન નૌકાદળની હાજરીને મહત્વપૂર્ણ ગણાવી હતી અને કહ્યું હતું કે અમેરિકન હિતોની સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે. આ સમગ્ર ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે થોડા મહિનાઓ પહેલાં જ બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામની સ્થિતિ સર્જાઈ હતી. ફેબ્રુઆરી 2026માં શરૂ થયેલા સંઘર્ષ બાદ એપ્રિલમાં મધ્યસ્થતા દ્વારા તણાવ ઘટાડવાનો પ્રયાસ થયો હતો. જોકે તાજેતરના હુમલાએ તે પ્રયાસોને મોટો ફટકો પહોંચાડ્યો છે.

વિશ્લેષકોનું માનવું છે કે જો બંને દેશો વચ્ચેનો તણાવ વધુ વધશે તો તેની અસર માત્ર મિડલ ઈસ્ટ પૂરતી મર્યાદિત નહીં રહે. વૈશ્વિક તેલ બજાર, આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગો અને વિશ્વ અર્થતંત્ર પર પણ તેની ગંભીર અસર પડી શકે છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્વના દરિયાઈ માર્ગોમાં કોઈ અવરોધ સર્જાય તો વૈશ્વિક ઊર્જા પુરવઠો ખોરવાઈ શકે છે. જો રાજદ્વારી પ્રયાસો નિષ્ફળ જશે તો મિડલ ઈસ્ટ ફરી એક મોટા સૈન્ય સંઘર્ષ તરફ ધકેલાઈ શકે છે.

Most Popular

To Top