‘સેવા, સુશાસન અને જનકલ્યાણ’ પખવાડિયા અંતર્ગત યોજાયો વિશેષ કાર્યક્રમ
દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાનના ઐતિહાસિક સીમાચિહ્નની ઉજવણી
કરજણ, તા. 10
ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ‘અવિરત 12 વર્ષ : સેવા, સુશાસન અને જનકલ્યાણ’ પખવાડિયાના ભાગરૂપે કરજણ તાલુકાના પવિત્ર યાત્રાધામ નારેશ્વરધામ ખાતે મહાઆરતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને રાષ્ટ્રસેવાના કાર્યને વધુ ગતિ મળે તે માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી.

દેશના ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનાર નેતા તરીકે નરેન્દ્ર મોદીએ 4,399 દિવસ પૂર્ણ કર્યા હોવાના પ્રસંગે આ કાર્યક્રમ યોજાયો હતો. નર્મદા નદીના કિનારે આવેલા નારેશ્વરધામ ખાતે ભગવાન શ્રી દત્ત અવતારી શ્રી રંગ અવધૂત બાપજીની મહાઆરતી ઉતારી આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં કરજણ-શિનોર-પોરના ધારાસભ્ય અક્ષય પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જ્યોત્સનાબેન રબારી, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશના વિકાસ, જનકલ્યાણ અને સુશાસન માટે કરવામાં આવેલા પ્રયાસોની ચર્ચા કરી હતી. કાર્યક્રમનો સમાપન શ્રી રંગ અવધૂત મહારાજની મહાઆરતી અને રાષ્ટ્રકલ્યાણની પ્રાર્થના સાથે કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર: મુકેશ અઠોરા