મોટા ખાડાઓ અને વરસાદી પાણીથી વધ્યું જોખમ, વિદ્યાર્થીઓ-ખેડૂતોને ભારે હાલાકી
વારંવારની રજૂઆત છતાં કાર્યવાહી નહીં, ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી
કાલોલ, તા. 11
કાલોલ તાલુકાના બોડીદ્રા ગામેથી મોટા બોડીદ્રા તરફ જતો મુખ્ય માર્ગ છેલ્લા આશરે દસ વર્ષથી બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. માર્ગ પર ઠેર-ઠેર પડેલા મોટા ખાડાઓ અને તૂટી ગયેલા રોડના કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને રોજિંદી અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, માર્ગની સ્થિતિ ખાસ કરીને ચોમાસા દરમિયાન વધુ જોખમી બની જાય છે. વરસાદી પાણી ખાડાઓમાં ભરાઈ જતાં રસ્તાની વાસ્તવિક સ્થિતિ દેખાતી નથી, જેના કારણે અકસ્માતની શક્યતાઓ વધી જાય છે. વિદ્યાર્થીઓને શાળાએ જવા, ખેડૂતોને ખેતરો સુધી પહોંચવા તેમજ રોજગાર માટે અવરજવર કરતા લોકોને સતત હાલાકીનો સામનો કરવો પડે છે.
સ્થાનિકોના આક્ષેપ મુજબ, માર્ગના સમારકામ માટે અનેક વખત સંબંધિત વિભાગો અને ગ્રામ પંચાયત સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં વર્ષો વીતી ગયા હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. પરિણામે ગ્રામજનોમાં અસંતોષની લાગણી વધી રહી છે.
ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે માર્ગનું સમારકામ કરી નવો પાકો રસ્તો બનાવવાની માંગ ઉઠાવી છે. સાથે જ ચેતવણી આપી છે કે જો વહેલી તકે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગામલોકો દ્વારા ઉગ્ર રજૂઆત અને આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. હાલમાં બોડીદ્રાથી મોટા બોડીદ્રા જતો માર્ગ વિકાસના દાવાઓ વચ્ચે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા કરી રહ્યો છે.
રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા