ફિટનેસ સર્ટિફિકેટ અને સેફ્ટી ગીયર્સ અંગે ગંભીર સવાલો, વાલીઓમાં વધ્યો ભય અને રોષ
ભૂતકાળની દુર્ઘટનાઓ છતાં બેદરકારી યથાવત, તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી ઉગ્ર માંગ


વડોદરા:
વડોદરાના ઈવા મોલમાંથી સુરક્ષા વ્યવસ્થાને લઈને ચિંતાજનક વિગતો સામે આવી રહી છે. મોલમાં કાર્યરત ગેમિંગ ઝોન અને વિવિધ રાઈડ્સમાં સુરક્ષાના નિયમોનું પાલન થતું ન હોવાના આક્ષેપો વચ્ચે મુલાકાતીઓ, ખાસ કરીને વાલીઓમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના મતે મનોરંજન માટે બનાવાયેલો આ ઝોન હવે સલામતીના અભાવે જોખમનું કેન્દ્ર બની રહ્યો છે.
મુલાકાતીઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અનુસાર અનેક રાઈડ્સમાં પૂરતા પ્રમાણમાં સેફ્ટી ગીયર્સ ઉપલબ્ધ નથી. ઉપરાંત, આ રાઈડ્સ અને મશીનો માટે જરૂરી ફિટનેસ સર્ટિફિકેટ, ટેક્નિકલ ચકાસણી અને નિયમિત સુરક્ષા ઓડિટ કરવામાં આવી છે કે નહીં તે બાબતે પણ સવાલો ઊભા થયા છે. પરિણામે અહીં આવનારા બાળકો અને તેમના વાલીઓમાં અસુરક્ષાની લાગણી વધતી જઈ રહી છે.
સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે ગેમિંગ ઝોનના સંચાલકો દ્વારા ટિકિટના નામે સંપૂર્ણ ચાર્જ વસૂલવામાં આવે છે, પરંતુ સુરક્ષા સુવિધાઓ અને સલામતીના માપદંડો પ્રત્યે પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. બાળકો રાઈડ્સમાં બેસે ત્યારે વાલીઓ ચિંતામાં મુકાઈ જાય છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની આશંકા સતત સતાવતી રહે છે.
રાજ્યમાં ભૂતકાળમાં બનેલી ગેમિંગ ઝોન અને મનોરંજન પાર્ક સંબંધિત દુર્ઘટનાઓમાંથી પાઠ શીખવાની જરૂર હોવા છતાં, અહીં હજુ પણ સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો યથાવત હોવાનું લોકોનું માનવું છે. આ સ્થિતિમાં શહેરના જાગૃત નાગરિકો વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગોની કામગીરી સામે પણ સવાલો ઉઠાવી રહ્યા છે.
સ્થાનિક લોકો અને વાલીઓએ વડોદરા મહાનગરપાલિકા, ફાયર વિભાગ અને પોલીસ તંત્રને તાત્કાલિક તપાસ હાથ ધરી તમામ રાઈડ્સની સુરક્ષા ચકાસણી કરવા માંગ કરી છે. નિયમોનું પાલન ન કરતી અને જરૂરી મંજૂરીઓ વિના ચાલતી રાઈડ્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ જવાબદાર સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ વધુ જોર પકડી રહી છે.
જનહિત અને બાળકોની સલામતીને પ્રાથમિકતા આપતાં, કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલાં જ તંત્ર દ્વારા અસરકારક પગલાં ભરવામાં આવે તેવી લોકમાગ ઉગ્ર બની છે.