બાર વણઝાર ધોધથી પરત ફરતી વખતે સર્જાયો કાળમુખો અકસ્માત
સ્થાનિક યુવક ‘દેવદૂત’ બન્યો, પોતાના જીવના જોખમે દોરડા વડે અને કેનાલમાં કૂદીને ૩ મિત્રોને મોતના મુખમાંથી બહાર ખેંચ્યા



(પ્રતિનિધિ), વડોદરા. તા.13
નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક પ્રકૃતિના ખોળે આવેલા પ્રખ્યાત બાર વણઝાર ધોધ ખાતે રજા માણવા ગયેલા વડોદરાના ચાર મિત્રોની ખુશી પળભરમાં શોકમાં ફેરવાઈ ગઈ હતી. ધોધથી પરત વડોદરા ફરી રહેલા યુવકોની કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ધસમસતી કેનાલમાં ખાબકી હતી. આ ભયાનક દુર્ઘટનામાં કાર ચલાવી રહેલા એક આશાસ્પદ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ મિત્રોને સ્થાનિક યુવકે અપ્રતિમ બહાદુરી દાખવી આબાદ બચાવી લીધા હતા.
પોલીસ અને સ્થાનિક સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં આવેલા લીમડી ફળિયાના રહેવાસી ચાર મિત્રો રોહિત વસાવા, હર્ષલ જગતાપ, સાહિલ નઝીર મલેક અને જયદીપ મૂળજી રાઠોડ, એક કારમાં સવાર થઈને રાજપીપળા નજીક બાર વણઝાર ધોધ ખાતે ફરવા અને ન્હાવા માટે આવ્યા હતા. દિવસભર મિત્રો સાથે આનંદ-પ્રમોદ કર્યા બાદ, સાંજના સમયે તમામ યુવકો કારમાં પરત વડોદરા જવા નીકળ્યા હતા.
દરમિયાન, બાર વણઝાર ગામ પાસે પસાર થતી કેનાલ નજીક કાર ચલાવી રહેલા રોહિત વસાવાએ અચાનક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલી કાર રોડ કિનારે આવેલી ઊંડી કેનાલના ધસમસતા પાણીમાં ખાબકી હતી. કાર પાણીમાં પડતાં જ અંદર સવાર યુવકોમાં ચીસાચીસ અને ભારે અફરાતફરી મચી ગઈ હતી.
કાર કેનાલમાં પડવાનો પ્રચંડ અવાજ આવતા જ નજીકના બાર વણઝાર ફળિયામાં રહેતો ચંદન દેવા વસાવા નામનો યુવક તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કેનાલના ઊંડા પાણીમાં કાર ડૂબતી જોઈ અને યુવકોને તરફડતા જોઈ ચંદને ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પોતાના જીવની પરવા કર્યા વગર બચાવ કામગીરી શરૂ કરી હતી.
ચંદને સૌપ્રથમ સમયસૂચકતા વાપરીને દોરડું કેનાલમાં નાખ્યું હતું અને ભારે જહેમત બાદ હર્ષલ જગતાપ અને જયદીપ રાઠોડને સુરક્ષિત રીતે પાણીની બહાર ખેંચી લીધા હતા. આ દરમિયાન ત્રીજો યુવાન સાહિલ મલેક ઊંડા પાણીમાં ગરકાવ થઈ રહ્યો હતો. તેને ડૂબતો જોઈ બહાદુર ચંદને કેનાલના પ્રવાહમાં કૂદકો મારી દીધો હતો અને સાહિલને મોતના મુખમાંથી ખેંચી લાવી નવજીવન આપ્યું હતું. કાર કેનાલમાં ખાબક્યા બાદ ચાલક રોહિત વસાવા પણ ગમે તેમ કરીને કારની બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. પરંતુ તેને તરતા ન આવડતું હોવાના કારણે તે કેનાલના વહેતા અને ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો અને જોતજોતામાં આંખની સામે જ ડૂબી ગયો હતો.
ઘટના અંગે તાત્કાલિક રાજપીપળા નગરપાલિકાના ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઇટરોની ટીમ આધુનિક સાધનો સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી અને કેનાલના ઊંડા પાણીમાં રોહિતની શોધખોળ આદરી હતી. કલાકોની ભારે જહેમત અને સર્ચ ઓપરેશન બાદ ફાયરની ટીમને રોહિત વસાવાનો મૃતદેહ હાથ લાગ્યો હતો.
અકસ્માતની આ કરુણ ઘટનાને પગલે વડોદરાથી યુવકોના પરિવારજનો પણ રાજપીપળા દોડી આવ્યા હતા. વ્હાલસોયા દીકરાનો મૃતદેહ જોઈ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને હોસ્પિટલ પરિસરમાં કાળજું કંપાવતા આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. પોલીસે ક્રેન મંગાવીને કેનાલમાંથી કારને બહાર કઢાવી હતી અને અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સ્થાનિકો વડોદરાના ૩ યુવકોના જીવ બચાવનાર બહાદુર ચંદન વસાવાની સરાહના કરી રહ્યા છે.
મૃતક યુવાન – રોહિત વસાવા (વડોદરા)
બચી ગયેલા યુવક
૧) હર્ષલ જગતાપ
૨) જયદીપ રાઠોડ
૩) સાહિલ મલેક
બચાવનાર દેવદૂત
ચંદન દેવા વસાવા (બાર વણઝાર ફળિયા)