Vadodara

સુરસાગર તળાવમાં ફરી સામૂહિક રીતે માછલીઓ મરેલી હાલતમાં તરતી દેખાઈ

બ્યુટીફિકેશનના દાવા પોકળ સાબિત થયા; ઓક્સિજનની અછતને કારણે કાચબાનું પણ મોત થતાં લોકોમાં ભારે રોષ

વડોદરા: શહેરની મધ્યમાં આવેલા અને સંસ્કારી નગરીની શાન ગણાતું ઐતિહાસિક સુરસાગર તળાવ ફરી એકવાર વિવાદના વમળમાં સપડાયું છે. આજે વહેલી સવારે સુરસાગર તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓ અને કાચબા મરેલી હાલતમાં પાણીની સપાટી પર તરતા જોવા મળતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. માછલીઓની સાથે સાથે નિર્દોષ કાચબાનું પણ મોત નીપજ્યું હોવાનું સામે આવતાં પ્રકૃતિપ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોમાં ભારે નારાજગી અને આક્રોશ વ્યાપી ગયો છે.

તળાવના પાણીમાં સામૂહિક રીતે માછલીઓના મોત થવાને કારણે સમગ્ર સુરસાગર વિસ્તારમાં તીવ્ર અને અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ છે. આ દુર્ગંધના લીધે ત્યાંથી પસાર થતા વાહનચાલકો, રાહદારીઓ અને આસપાસના સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેમનું જીવવું દુભર બન્યું છે. સ્થાનિક લોકોએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે આંગળી ચીંધતા જણાવ્યું છે કે, તંત્ર દ્વારા સુરસાગર તળાવના બ્યુટીફિકેશન પાછળ કરોડો રૂપિયાના આંધણ કરવામાં આવ્યા છે, પરંતુ તેની યોગ્ય જાળવણી કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે.


​સૌથી ગંભીર બાબત એ છે કે, તળાવના પાણીમાં ઓક્સિજનનું સ્તર જળવાઈ રહે તે માટે લાખોના ખર્ચે મૂકવામાં આવેલા ઓક્સિજન પંપ અવારનવાર બંધ હાલતમાં જોવા મળે છે. પંપ લાંબા સમય સુધી બંધ રહેવાના કારણે પાણીમાં ઓક્સિજનની ભારે અછત સર્જાય છે, જેના પરિણામે જળચર જીવો ગૂંગળામણને કારણે દમ તોડી દે છે. સુરસાગર તળાવમાં મૂગા જીવોના મોતોનો આ કોઈ પ્રથમ બનાવ નથી. આ પૂર્વે પણ અનેકવાર વહીવટી તંત્રની આવી જ ઘોર બેદરકારીને લીધે સેંકડો માછલીઓએ જીવ ગુમાવ્યા છે. વારંવાર બનતી આ હૃદયદ્રાવક ઘટનાઓ પછી પણ કોર્પોરેશનનું તંત્ર ઘોર નિદ્રામાં પોઢેલું હોય તેમ લાગી રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે આ સિલસિલાબદ્ધ મોતોને રોકવા માટે તંત્ર ક્યારે જાગશે અને કોઈ નક્કર પગલાં ભરશે ખરા?

Most Popular

To Top