India

ભારતીય સેનાની નવી ઓળખ: બંદી જેકેટ, નવા ડ્રેસ કોડ અને કડક ગ્રૂમિંગ નિયમો

ભારતીય સેનાએ પોતાની પરંપરાઓ અને કાર્યશૈલીમાં એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ફેરફાર કરીને બ્રિટિશ શાસનકાળની અનેક જૂની પ્રથાઓને અલવિદા કહી છે. સેનાએ તાજેતરમાં 174 પાનાનું નવું માર્ગદર્શિકા મેન્યુઅલ ‘આર્મી યુનિફોર્મ્સ-2026’ જાહેર કર્યું છે, જેમાં યુનિફોર્મ, ગ્રૂમિંગ અને સૈનિકોના દેખાવ સંબંધિત અનેક નવા નિયમો સામેલ કરવામાં આવ્યા છે. આ પ્રકારનું માર્ગદર્શિકા મેન્યુઅલ છેલ્લે લગભગ આઠ વર્ષ પહેલાં બહાર પાડવામાં આવ્યું હતું. નવા નિયમોનો મુખ્ય હેતુ ભારતીય સેનાની ઓળખને વધુ ભારતીય બનાવવાનો અને ઔપનિવેશિક માનસિકતાના અવશેષોને દૂર કરવાનો છે. સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ફેરફારો દેશની સાંસ્કૃતિક ઓળખ અને ભારતીય મૂલ્યોને વધુ મજબૂત રીતે પ્રતિબિંબિત કરે છે. નવા મેન્યુઅલ હેઠળ ભારતીય સંસ્કૃતિનું પ્રતીક માનાતી બંધ-ગળાવાળી ‘બંદી જેકેટ’ને સત્તાવાર અને ઔપચારિક કાર્યક્રમોમાં પહેરવાની મંજૂરી આપવામાં આવી છે. આ જેકેટ સરળ અને સોબર રંગની હોવી જરૂરી રહેશે. ઉપરાંત, તમામ રેન્કના જવાનો માટે ‘3બી’ નામનો નવો શિયાળુ ગણવેશ પણ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં અંગોલા શર્ટ, બેટલ જેકેટ અને બેરેટનો સમાવેશ થાય છે.

સેનાના પરંપરાગત ડ્રેસમાં પણ કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. ‘મેસ ડ્રેસ નંબર-5’ અને ‘નંબર-6’માંથી સેરેમોનિયલ પાઉચ બેલ્ટને દૂર કરવામાં આવ્યો છે. જોકે, કેટલીક વિશિષ્ટ રેજિમેન્ટના કર્નલ રેન્ક સુધીના અધિકારીઓ માટે આ નિયમમાં છૂટછાટ આપવામાં આવી છે. ઉપરાંત, પરેડ દરમિયાન સમીક્ષા કરતા અધિકારીઓ માટે તલવાર રાખવી હવે ફરજિયાત નહીં પરંતુ વૈકલ્પિક રહેશે. મહિલા અધિકારીઓ માટે પણ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. તેઓ હવે સત્તાવાર કાર્યક્રમોમાં સાદી રંગની સાડી અથવા દુપટ્ટા સાથે કુર્તા-સલવાર અને ટખના સુધીની સીધી પેન્ટ પહેરી શકશે. જોકે, સ્લીવલેસ કુર્તા, પ્લાઝો અને સિગારેટ પેન્ટ જેવા કેઝ્યુઅલ ડ્રેસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ગ્રૂમિંગ અને વ્યક્તિગત દેખાવને લઈને પણ સેનાએ કડક માર્ગદર્શિકા બહાર પાડી છે. નવા નિયમો અનુસાર સૈનિકો શરીરના કોઈપણ ભાગ પર ટેટૂ કરાવી શકશે નહીં અને પિયર્સિંગ પણ કરી શકશે નહીં. યુનિફોર્મ સાથે ધાર્મિક ચિહ્નો અથવા બ્રેસલેટ પહેરવાની મંજૂરી નહીં હોય. માત્ર ધાર્મિક પરંપરા મુજબનો પવિત્ર દોરો પહેરી શકાશે. શીખ સૈનિકોને તેમના ધાર્મિક નિયમો મુજબ અગાઉની જેમ છૂટછાટ આપવામાં આવશે. મૂછ અને વાળ અંગે પણ સ્પષ્ટ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. સૈનિકોની મૂછો 12 સેન્ટીમીટરથી વધુ લાંબી ન હોવી જોઈએ. ડ્યુટી દરમિયાન અથવા યુનિફોર્મમાં ડિઓડરન્ટ અને પરફ્યુમનો ઉપયોગ પણ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. જોકે, આફ્ટર-શેવ લોશનનો ઉપયોગ કરી શકાશે. મહિલા કર્મચારીઓ માટે લિપસ્ટિક, રંગીન નેલપોલિશ, બિંદી અને નોઝ પિન જેવી વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લગ્નિત મહિલા કર્મચારીઓ સિંદૂર લગાવી શકશે, પરંતુ તે ટોપી પહેર્યા પછી દેખાવું ન જોઈએ.

સૌથી મહત્વપૂર્ણ ફેરફારોમાં એક એ છે કે સેનાના નિયમો અને શબ્દાવલીમાંથી બ્રિટિશ યુગના ‘રોયલ’ જેવા શબ્દોને દૂર કરવામાં આવ્યા છે. સેનાના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પગલું ભારતીય સેનાને વધુ સ્વદેશી વિચારસરણી અને રાષ્ટ્રીય ઓળખ સાથે જોડવાનું પ્રતીક છે. ઉલ્લેખનીય છે કે કેટલાક વર્ષો પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સશસ્ત્ર દળોને ઔપનિવેશિક પરંપરાઓમાંથી બહાર આવીને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને વધુ પ્રાધાન્ય આપવાની અપીલ કરી હતી. ‘આર્મી યુનિફોર્મ્સ-2026’ હેઠળ કરવામાં આવેલા આ ફેરફારોને તે દિશામાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે. નવા નિયમો માત્ર ડ્રેસ કોડ સુધી મર્યાદિત નથી, પરંતુ તેઓ ભારતીય સેનાની નવી ઓળખ અને આત્મનિર્ભર વિચારધારાનું પ્રતિબિંબ પણ રજૂ કરે છે.

Most Popular

To Top