Anand

મહીસાગર નદી ફરી બની જીવલેણ: આણંદના યુવકનું ડૂબી જતાં કરુણ મોત

લાલપૂરા ઉમિયા કોરી પાસે નદીમાં તણાયેલા યુવકનો ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢ્યો

રેસ્ક્યુ ઓપરેશન બાદ મહેશભાઈ ગલાભાઈની ઓળખ, ઘટનાથી વિસ્તારમાં શોકની લાગણી


આણંદ: આણંદ શહેર નજીક લાલપૂરા ઉમિયા કોરી પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં એક યુવક ડૂબી જતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ કરમસદ-આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો.

મળતી માહિતી અનુસાર, કરમસદ-આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના કંટ્રોલ રૂમને 112 કંટ્રોલ રૂમ મારફતે જાણ કરવામાં આવી હતી કે લાલપૂરા ઉમિયા કોરી પાસે મહીસાગર નદીમાં એક વ્યક્તિ અગમ્ય કારણોસર ડૂબી ગયો છે. માહિતી મળતા જ ફાયર ઓફિસર ધર્મેશ ગોરના માર્ગદર્શન હેઠળ સબ ફાયર ઓફિસર અબ્દુલભાઈ ભથાણીયા સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

ફાયર વિભાગની ટીમે ઝડપી કામગીરી હાથ ધરી નદીમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ ડૂબી ગયેલા વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી હતી. મૃતકની ઓળખ મહેશભાઈ ગલાભાઈ (રહે. બાજીપુરા) તરીકે થઈ હતી.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. આ બનાવને પગલે વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે સમગ્ર ઘટનાની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

આ દુર્ઘટનાએ ફરી એકવાર નદી, તળાવ અને જળાશયોની આસપાસ સાવચેતી રાખવાની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું છે. ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન પાણીના વધતા પ્રવાહ અને ઊંડાણને ધ્યાનમાં રાખી લોકોને સતર્ક રહેવાની તાકીદ કરવામાં આવી છે.

Most Popular

To Top