તાજેતરમાં દિલ્હીના જંતર-મંતર ખાતે વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા ‘નીટ’ (NEET) પરીક્ષા અને શિક્ષણના અન્ય ગંભીર પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. શિક્ષણ એ જીવનની પ્રાથમિક જરૂરિયાત છે, તેથી આ ઘટના દેશભરમાં ચર્ચાના સ્થાને રહી. પરંતુ, આ આંદોલન દરમિયાન સૌથી ચિંતાજનક ચિત્ર એ જોવા મળ્યું કે પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ દ્વારા દેશની જાણીતી નેશનલ મીડિયા ચેનલોના પત્રકારોનો ઉગ્ર વિરોધ કરાયો અને તેમને ત્યાંથી ભગાડવામાં આવ્યા.
આ એ જ ભારતીય મીડિયા જગત છે, જેણે ભૂતકાળમાં અન્ના આંદોલન અને નિર્ભયા કાંડ વખતે કરેલા નિષ્પક્ષ રિપોર્ટિંગ માટે જનતાની અપાર સરાહના મેળવી હતી. એક તરફ આપણે ‘વિશ્વગુરુ’ બનવાનો દાવો કરીએ છીએ અને બીજી તરફ આપણું મીડિયા પક્ષપાતી બનીને સત્ય છુપાવી રહ્યું છે. પત્રકારત્વનો મૂળ સિદ્ધાંત ‘સત્ય અને નિષ્પક્ષતા’ છે, જે આજે ક્યાંક ખોવાઈ ગયો છે.ઈરાનમાં લોકો ઈએમઆઈ પણ રોટલી ખાવા મજબુર બન્યા.
આવા સમાચારો પ્રસારિત થતાં ઈરાની દુતાવાસે તેનો સાચો જવાબ આપ્યો, કે આવું કંઈ જ નથી. તો શું આ ભારતીય મિડીયાની ઈન્ટરનેશનલ આબરુના લીરેલીરા નથી. પરંતુ આ નકારાત્મકતાની વચ્ચે, ડિજિટલ મીડિયાએ અદ્ભુત અને પ્રશંસનીય કામ કર્યું છે. જ્યાં મોટા ગજાના સેલિબ્રિટી એન્કરો પત્રકારો પહોંચી ન શક્યા અથવા પહોંચવા ન માગતા હતા, ત્યાં નાના સ્માર્ટફોન અને માઇક લઈને નીકળેલા યુટ્યુબર્સ, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને સ્વતંત્ર પત્રકારોએ અને પ્રિન્ટ મિડીયાએ કમાલ કરી બતાવી.
તેમણે કોઈ પણ પક્ષપાત વગર, સીધા આંદોલનકારી વિદ્યાર્થીઓ વચ્ચે જઈને તેમની પીડા, તેમના પ્રશ્નો અને આંદોલનનું સાચું ચિત્ર દુનિયા સામે રાખ્યું. ડિજિટલ મીડિયાએ પત્રકારત્વની લાજ બચાવી છે તેમ કહેવું જરાય અતિશયોક્તિ નથી.ત્યારે હવે નેશનલ મિડિયાના માલિકો અને તંત્રીઓએ આત્મચિંતન કરવાની અને મનોમંથન કરવાની જરૂર છે. બાકી એક સમયે ફૂલ પાથરવામાં આવતાં હવે જનતા કાંટા પાથરીને સ્વાગત કરે તો નવાઈ નહીં.
પંચમહાલ – વિજયસિંહ સોલંકી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.