Charotar

સીમલજના દારૂ કૌભાંડે ડાકોર પોલીસની પોલ ખોલી! DGPનો કડક કોરડો, બે હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો, સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ
(પ્રતિનિધિ) નડિયાદ, તા.15
ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર પોલીસ મથકની હદમાં ચાલતા બુટલેગિંગ નેટવર્ક પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા કરાયેલા દરોડાએ સ્થાનિક પોલીસની કામગીરી પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. સીમલજ ગામમાં વિદેશી દારૂના મોટા જથ્થા સાથે વાહનો ઝડપાયા બાદ રાજ્યના પોલીસ વડા (DGP) દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે. ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
બાતમી મેળવવામાં નિષ્ફળતા ભારે પડી: હાર્દિક શર્મા અને કિશોરસિંહ સામે સસ્પેન્શનની કાર્યવાહી
મળતી માહિતી મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે સીમલજ ગામમાં વિદેશી દારૂનું મોટું કટીંગ થવાનું છે. બાતમીના આધારે ટીમે દરોડો પાડતા બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ હતી. ફિલ્મી ઢબે થયેલા પીછા દરમિયાન આરોપીઓએ પોતાની ગાડીઓ ગામની પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં ઘુસાડી દીધી હતી. જોકે, એસએમસીની ટીમે સ્થળ પરથી એક સ્વિફ્ટ કાર અને એક ઈકો કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.
તપાસ દરમિયાન બહાર આવ્યું કે જપ્ત કરાયેલો જથ્થો સીમલજ ગામના બુટલેગર મહેશ વાઘેલાનો હોવાનું માનવામાં આવે છે. આટલા મોટા પાયે ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ અંગે સ્થાનિક પોલીસને કોઈ બાતમી ન હોવાને ગંભીર બેદરકારી ગણાવી DGPએ ડાકોર પોલીસ મથકના ડી-સ્ટાફના હેડ કોન્સ્ટેબલ હાર્દિક શર્મા અને વિસ્તારના બીટ જમાદાર હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહને ફરજમાં બેદરકારી તથા ગુનાહિત પ્રવૃત્તિની માહિતી મેળવવામાં નિષ્ફળતા બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.

Most Popular

To Top