Business

કાતોલ પાસે બે બાઇક વચ્ચે ભીષણ ટક્કર, નિવૃત્ત કર્મચારીનું ઘટનાસ્થળે જ મોત

પૂરઝડપે દોડી રહેલી બાઇકો સામસામે અથડાતાં સર્જાયો ગમખ્વાર અકસ્માત
અન્ય બાઇકચાલક ગંભીર રીતે ઘાયલ, કાલોલ પોલીસે બંને સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

(પ્રતિનિધિ) કાલોલ, તા.17
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કાતોલ ગામ નજીક મંગળવારે સાંજે બે મોટરસાયકલ વચ્ચે થયેલા ભીષણ અકસ્માતમાં 60 વર્ષીય વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક બાઇકચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બંને વાહનચાલકોની પૂરઝડપ અને બેદરકારી અકસ્માતનું કારણ હોવાનું સામે આવ્યું છે.
મૃતક સોમાભાઇ મંગળભાઇ પરમાર (ઉ.વ. 60), કાતોલ ગામના દેવપુરા ફળિયાના રહેવાસી અને સેટ્કો કંપનીના નિવૃત્ત કર્મચારી હતા. તેઓના પુત્ર અને ઓટો ગેરેજનો વ્યવસાય કરતા પ્રવિણભાઇ સોમાભાઇ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ, સોમાભાઇ બાઇકમાં પેટ્રોલ પુરાવવા અને શાકભાજી લેવા માટે કાલોલ તરફ જઈ રહ્યા હતા.
ગામના ગેટથી થોડે દૂર સર્જાયો જીવલેણ અકસ્માત
સોમાભાઇ પોતાની હીરો એચએફ ડિલક્સ મોટરસાયકલ (જીજે-17-બીબી-6996) લઈને કાતોલથી કાલોલ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન કાતોલ ગામના જ વનરાજસિંહ કણકસિંહ પરમાર હીરો પેશન પ્રો મોટરસાયકલ (જીજે-23-બીએઈ-0277) લઈને કાલોલથી કાતોલ તરફ પૂરઝડપે આવી રહ્યા હતા.
કાતોલ ગામના પ્રવેશદ્વારથી આશરે 50 મીટર દૂર બંને મોટરસાયકલો સામસામે જોરદાર રીતે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે સોમાભાઇને માથા, કપાળ અને જમણી આંખની ઉપરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે વનરાજસિંહને પણ માથા અને કપાળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયા, પોલીસે ગુનો નોંધ્યો
અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. બંને ઘાયલોને કાલોલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે સોમાભાઇને મૃત જાહેર કર્યા હતા. ગંભીર રીતે ઘાયલ વનરાજસિંહને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો.
કાલોલ પોલીસે મૃતકના પુત્ર પ્રવિણભાઇ પરમારની ફરિયાદના આધારે બંને બાઇકચાલકો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 281, 106(1), 125(એ) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177 અને 184 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ પી.કે. ક્રિશ્ચિયનને સોંપી છે.

રિપોર્ટર : વીરેન્દ્ર મહેતા

Most Popular

To Top