Business

ભારતની પહેલી ફ્લેક્સ-ફ્યુઅલ કાર: 85% ઇથેનોલથી ચાલતી વેગન-આરની આટલી છે કિંમત

મારુતિ સુઝુકીએ સોમવારે ભારતની પહેલી ફ્લેક્સ-ફ્યુઅલ કાર, વેગન-આર બાયો-ફ્લેક્સ લોન્ચ કરી. તે E85 ઇંધણ (૮૫% ઇથેનોલ સાથે મિશ્રિત પેટ્રોલ) પર ચાલે છે. આ કારની શરૂઆતની કિંમત ₹૭.૨૪ લાખ છે અને તે બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે.

E85 વેગન-આર સ્ટાન્ડર્ડ મોડેલ કરતાં ₹૮૬,૦૦૦ વધુ મોંઘી છે. કોમર્શિયલ સેગમેન્ટમાં ઉપલબ્ધ ‘ટૂર H3’ વેરિઅન્ટની તુલનામાં તેની કિંમત ₹૧.૩૫ લાખથી ₹૨.૨૫ લાખ વધુ છે. વેગન-આર ટૂર H3 ની કિંમત ₹૪.૯૯ લાખથી ₹૫.૮૯ લાખની વચ્ચે છે. હાલમાં ફક્ત કોમર્શિયલ ક્ષેત્રના ખરીદદારો જેમ કે ટેક્સી અને ફ્લીટ ઓપરેટરો તેને ખરીદી શકશે.

85% ઇથેનોલ મિશ્રણ ધરાવતું E85 ઇંધણ દિલ્હીમાં સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઇન્ડિયન ઓઇલ (IOC) ના પુસા રોડ આઉટલેટ ખાતે દિલ્હીના પ્રથમ E85 ઇંધણ વિતરણ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. નોંધપાત્ર રીતે તે પેટ્રોલ કરતાં ₹20 પ્રતિ લિટર સસ્તું છે. આનાથી સામાન્ય લોકો માટે ડ્રાઇવિંગ ખર્ચમાં ઘટાડો તો થશે જ સાથે દેશની ક્રૂડ ઓઇલ આયાત પરની નિર્ભરતા પણ ઓછી થશે.

કારની બાહ્ય ડિઝાઇન નિયમિત વેગન-આર જેવી લાગે છે પણ તેના એન્જિન અને ઘટકોમાં ટેકનિકલ ફેરફારો કરવામાં આવ્યા છે જેથી તે E85 ઇંધણ પર ચાલી શકે. કંપનીએ તેને અપગ્રેડેડ ફ્યુઅલ ઇન્જેક્ટર, એક નવો ફ્યુઅલ પંપ, નવી ફ્યુઅલ લાઇન, એક રિકેલિબ્રેટેડ ECU અને એક ખાસ ઇથેનોલ સેન્સરથી સજ્જ કર્યું છે.

ફ્લેક્સ-ફ્યુઅલ વેગન-આરમાં હાલના 1.2-લિટર (1200 cc) એન્જિનનું સુધારેલું સંસ્કરણ છે. કંપનીએ સત્તાવાર રીતે કામગીરીના આંકડા જાહેર કર્યા નથી પરંતુ અહેવાલો સૂચવે છે કે તે પ્રમાણભૂત પેટ્રોલ એન્જિન કરતાં થોડી વધુ શક્તિ અને ટોર્ક પહોંચાડે છે. હાલ પૂરતું આ કાર 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ હશે.

કંપનીએ હજુ સુધી નવા મોડેલના માઇલેજનો ખુલાસો કર્યો નથી. જોકે તાજેતરના ઇંધણ પરીક્ષણો દર્શાવે છે કે E85 ઇંધણ પર કાર ચલાવવાથી માઇલેજ લગભગ 24% ઘટી શકે છે. મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે સ્ટાન્ડર્ડ પેટ્રોલ વેગન-આર 23.56 કિમી પ્રતિ લિટર માઇલેજ આપે છે.

કારના લુકની વાત કરીયે તો તેના આગળના ભાગમાં, તેમાં મોટા, ચોરસ આકારના હેલોજન હેડલેમ્પ્સ અને પહોળા બોનેટ છે. હેડલેમ્પ્સ વચ્ચે એક આડી ગ્રિલ બેસે છે, જેમાં સિંગલ ક્રોમ સ્લેટ અને હનીકોમ્બ ડિટેલિંગ છે જે કારને વધુ આધુનિક દેખાવ આપે છે. આગળના બમ્પરમાં એક મોટો એર ડેમ છે, જેમાં કાળા સરાઉન્ડમાં ફોગ લેમ્પ્સ સેટ છે.

Most Popular

To Top