કિશનવાડી અજબડી મિલ રોડ પર પઝેશન ન આપી છેતરપિંડી આચરી બિલ્ડર ફરાર, પીડિતોએ પોલીસ કમિશનરના દ્વાર ખખડાવ્યા




(પ્રતિનિધિ), વડોદરા. તા.૧૫
વડોદરા શહેરમાં વધુ એક બિલ્ડર દ્વારા સેંકડો પરિવારોની આજીવિકાની મૂડી હડપી લેવાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. શહેરના કિશનવાડી અજબડી મિલ રોડ પર આવેલા ‘સિદ્ધેશ્વર પાર્થેશ્વર’ પ્રોજેક્ટના બિલ્ડરે આશરે ૪૮૪ જેટલા મધ્યમવર્ગીય પરિવારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની આક્રોશજનક વિગતો પ્રકાશમાં આવી છે. છેલ્લા પાંચ-પાંચ વર્ષથી પોતાના સપનાના ઘરનું પઝેશન મેળવવા માટે ધક્કા ખાઈ રહેલા પીડિત પરિવારો હવે ન્યાય માટે રસ્તા પર ઉતરી આવ્યા છે.
ગ્રાહકોનો આક્ષેપ છે કે, બિલ્ડરે ઘર આપવાના બહાને કરોડો રૂપિયા ઉઘરાવી લીધા છે, પરંતુ હજુ સુધી કામ પૂરું કર્યું નથી. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી અન્ય એજન્સીઓના નાણાં પણ બિલ્ડરે ચૂકવ્યા ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. હાલમાં બિલ્ડર સામે ગુનો નોંધાયો હોવા છતાં તે પોલીસ પકડથી દૂર નાસતો ફરી રહ્યો છે.
પીડિતોની મુખ્ય માંગણીઓ…
- ફરાર બિલ્ડરની તાત્કાલિક ધરપકડ માટે સ્પેશિયલ ટીમ બનાવવામાં આવે.
- બિલ્ડરની તમામ સ્થાવર-જંગમ મિલકતો અને બેંક ખાતાઓ તાત્કાલિક જપ્ત થાય.
- હાઈકોર્ટમાં બિલ્ડરની જામીન અરજીનો પોલીસ દ્વારા સખત વિરોધ કરાય.
લોનના હપ્તા અને ભાડાના બેવડા બોજથી પરિવારો ત્રસ્ત બન્યા. ભોગ બનનાર પરિવારોની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. એક તરફ ઘર ખરીદવા માટે લીધેલી બેંક લોનના હપ્તા ચાલુ છે, તો બીજી તરફ હજુ સુધી પઝેશન ન મળવાને કારણે તેઓએ ભાડાના મકાનમાં રહેવું પડી રહ્યું છે. આમ, લોન અને ભાડાના બેવડા આર્થિક બોજ હેઠળ મધ્યમવર્ગીય પરિવારો કચડાઈ રહ્યા છે.
ન્યાયની આશા ગુમાવી ચૂકેલા પીડિત પરિવારોનો સંયમ ખૂટતા તેઓ મોટી સંખ્યામાં બિલ્ડરના ઘરે પણ પહોંચ્યા હતા, પરંતુ બિલ્ડર ફરાર હોવાનું જાણવા મળ્યું હતું. આખરે કંટાળેલા પરિવારોએ વડોદરા પોલીસ કમિશનર સમક્ષ લેખિતમાં ઉગ્ર રજૂઆત કરી ન્યાયની ગુહાર લગાવી છે. પીડિતોએ બિલ્ડરની મિલકતો સીલ કરી તેમના નાણાં પરત અપાવવા માંગ કરી છે.