કાલોલ તા ૧૫/૦૬/૨૬
કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે પાર્ક કરેલા ટ્રેકટરોમાંથી બેટરીઓની ચોરી થવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કાલોલ પીપલ્સ બેન્કની પાછળ, આંગણવાડીની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાંથી અજાણ્યા ચોર ઇસમો રૂ।. ૧૨,૦૦૦ ની કિંમતની બે બેટરીઓની ચોરી કરી રફુચક્કર થઇ ગયા છે.ફરિયાદી હસમુખભાઇ ગોપાલજી વણઝારા (ઉ.વ. ૨૬, રહે. કાલોલ ઇન્દિરાનગર તળાવ વિસ્તાર), જેઓ ઈંટોના ભઠ્ઠા પર ડ્રાઇવિંગ અને મજૂરી કામ કરે છે, તેમણે કાલોલ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ:ગત ૧૦ જૂન ૨૦૨૬ ના રોજ સાંજના આશરે છએક વાગ્યે તેમણે પોતાનું ટ્રેકટર (નંબર: GJ-17-CA-0736) તથા તેમના કાકા ભીમાજી રૂપાજી વણઝારાનું ટ્રેકટર (નંબર: GJ-17-BN-5179) કાલોલ પીપલ્સ બેન્કની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં પાર્ક કર્યું હતું.ત્યારપછીના દિવસે એટલે કે ૧૧ જૂન ૨૦૨૬ ના રોજ સવારે અગિયાર વાગ્યાની આસપાસ જ્યારે તેઓ ઈંટોના ભઠ્ઠા પર જવા માટે ટ્રેકટર ચાલુ કરવા ગયા, ત્યારે બંને ટ્રેકટરો ચાલુ થયા ન હતા.શંકા જતા બંને ટ્રેકટરના બોનેટ ખોલીને જોતા અંદરથી બેટરીઓ ગાયબ જોવા મળી હતી. આસપાસના વિસ્તારમાં ઘણી શોધખોળ કરવા છતાં બેટરીઓનો કોઈ પતો મળ્યો ન હતો. ટ્રેકટરોમાંથી ચોરાયેલી બંને બેટરીઓની અંદાજિત કિંમત ₹૬,૦૦૦ લેખે કુલ ₹૧૨,૦૦૦ ગણાવવામાં આવી છે.આ અંગે હસમુખભાઇ વણઝારાએ ૧૪ જૂન ૨૦૨૬ ના રોજ કાલોલ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ ૩૦૩(૨) હેઠળ ગુનો નોંધી કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.આર મકવાણા ચલાવી રહ્યા છે.