યુવાનોમાં રાષ્ટ્રભાવના અને શૌર્યના સંસ્કારો જગાડવાનો પ્રયાસ

મહારાણા પ્રતાપ સમિતિ ટ્રસ્ટ, વડોદરા દ્વારા મહારાણા પ્રતાપ જન્મજયંતિ નિમિત્તે આગામી 17 જૂન, 2026ના રોજ ભવ્ય ‘ગૌરવ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. મહારાણા પ્રતાપના શૌર્ય, ત્યાગ, સ્વાભિમાન અને રાષ્ટ્રપ્રેમના આદર્શોને સમાજ સુધી પહોંચાડવા તેમજ યુવા પેઢીને તેમના જીવનચરિત્રમાંથી પ્રેરણા મળે તેવા ઉદ્દેશ સાથે આ યાત્રા યોજાઈ રહી છે.
સમિતિ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ ગૌરવ યાત્રામાં મહારાણા પ્રતાપની આકર્ષક શોભાયાત્રા, ધ્વજ પ્રદર્શન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આયોજકોના જણાવ્યા અનુસાર આ યાત્રા માત્ર એક ધાર્મિક કે સામાજિક કાર્યક્રમ નહીં, પરંતુ સમાજમાં રાષ્ટ્રીય ચેતના અને ગૌરવની ભાવના મજબૂત બનાવવાનો પ્રયાસ છે.
યાત્રા સાંજે 6 વાગ્યે કીર્તિસ્તંભ ગ્રાઉન્ડ ખાતેથી પ્રારંભ થશે. ત્યારબાદ યાત્રા ચાર રસ્તા, ભગતસિંહ ચોક, ત્યાગમૂર્તિ પંડિત દીનદયાળ સર્કલ, સુરસાગર, હાથીખાના બજાર રોડ સહિત શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ફરી કીર્તિસ્તંભ ગ્રાઉન્ડ ખાતે સમાપન પામશે.
આ ઉપરાંત યાત્રા શરૂ થાય તે પહેલાં કીર્તિસ્તંભ ગ્રાઉન્ડ ખાતે વિશેષ નારીશક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ યુવરાજા ટીમના નાનાં બાળકો દ્વારા તલવારબાજીનું જીવંત પ્રદર્શન પણ રજૂ કરવામાં આવશે, જે કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બનશે.
આયોજકોના જણાવ્યા અનુસાર યાત્રામાં 18 થી 20 ઘોડા પર સવાર વીર યુવાનો, વિવિધ રાજપૂત સમાજોના પ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં યુવાનો જોડાશે. મહારાણા પ્રતાપના જીવન અને તેમના અડગ સ્વાભિમાનથી પ્રેરણા લઈને યુવા પેઢી રાષ્ટ્ર અને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી વધુ સારી રીતે નિભાવે તે માટે વિશેષ સંદેશ આપવામાં આવશે.
મહારાણા પ્રતાપ સમિતિ ટ્રસ્ટના પ્રમુખ જયેન્દ્રસિંહ ઠાકોરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે મહારાણા પ્રતાપ માત્ર એક રાજવી નહીં પરંતુ સ્વાભિમાન, શૌર્ય અને રાષ્ટ્રભક્તિના પ્રતિક છે. તેમની જન્મજયંતિ નિમિત્તે યોજાનારી ગૌરવ યાત્રા દ્વારા સમાજમાં એકતા, સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ મજબૂત બનશે.
સમિતિએ વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોના તમામ સમાજજનો, યુવાનો અને નાગરિકોને આ ગૌરવ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાઈ કાર્યક્રમને સફળ બનાવવા અપીલ કરી છે.