દવાઓના દુરુપયોગને રોકવા અને દર્દીઓની સુરક્ષા વધારવાના હેતુથી કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે ખાંસીની દવા સહિત તમામ પ્રકારની સિરપ આધારિત દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચી શકાશે નહીં. એટલે કે, મેડિકલ સ્ટોર પરથી સીધી સિરપ ખરીદવાની જે સુવિધા હતી, તેમાં હવે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમો હેઠળ દવા સંબંધિત જોગવાઈઓમાં સુધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી કેટલીક સિરપ એવી હતી જે ગ્રાહકો મેડિકલ સ્ટોર પરથી સીધી ખરીદી શકતા હતા. આવી દવાઓને સામાન્ય રીતે ઓવર-ધ-કાઉન્ટર (OTC) દવાઓ તરીકે ઓળખવામાં આવે છે. જોકે, હવે આ છૂટછાટ દૂર કરવામાં આવી છે અને સિરપ ખરીદવા માટે ડૉક્ટરની સલાહ ફરજિયાત બનાવવામાં આવી છે.
સરકારનું માનવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં કફ સિરપ અને અન્ય લિક્વિડ દવાઓના દુરુપયોગના કેસોમાં વધારો જોવા મળ્યો છે. કેટલીક જગ્યાએ ઓવરડોઝના બનાવો સામે આવ્યા હતા, જ્યારે બાળકોને ખોટો ડોઝ આપવામાં આવવાના કિસ્સાઓ પણ નોંધાયા હતા. ઉપરાંત, બિનજરૂરી રીતે દવાઓ લેવાની વૃત્તિ અને મિલાવટી અથવા નકલી સિરપના વેચાણ અંગે પણ ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે નિયમોને વધુ કડક બનાવવાનો નિર્ણય લીધો છે. હવે દર્દીઓને યોગ્ય દવા અને યોગ્ય માત્રા મળે તે સુનિશ્ચિત કરવા માટે ડૉક્ટરની ચિઠ્ઠી જરૂરી રહેશે. આ પગલાથી દવાઓનો બિનજરૂરી ઉપયોગ ઘટશે અને દર્દીઓની સુરક્ષા વધશે તેવી અપેક્ષા છે. નવા નિયમો મેડિકલ સ્ટોર સંચાલકો માટે પણ મહત્વપૂર્ણ રહેશે. હવે કોઈપણ ફાર્મસી અથવા મેડિકલ સ્ટોર ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના સિરપ વેચી શકશે નહીં. જો કોઈ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.
સરકારે દવાઓના પેકિંગ સંબંધિત નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. હવે સિરપ અને અન્ય લિક્વિડ દવાઓ નાના અને સિંગલ-યુનિટ પેકમાં ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જેમ કે 5 ml અથવા 10 ml જેવા નાના પેક, જેથી જરૂરી માત્રામાં જ દવા ઉપલબ્ધ થાય અને વધારાની દવા ઘરમાં ન રહે. આ ફેરફાર પાછળનો હેતુ ઓવરડોઝનું જોખમ ઘટાડવાનો છે. ઘણીવાર મોટી બોટલોમાં રહેલી દવાઓનો ખોટો ઉપયોગ થવાની શક્યતા રહેતી હોય છે. ઉપરાંત ખુલ્લી બોટલ લાંબા સમય સુધી રાખવાથી દવાની ગુણવત્તા પર પણ અસર પડી શકે છે.
નવા નિયમો 1 જાન્યુઆરી 2027થી સમગ્ર દેશમાં અમલમાં આવશે. દવા ઉત્પાદક કંપનીઓ અને વિક્રેતાઓને હાલના સ્ટોકના વેચાણ માટે 6 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, જેથી નવા નિયમો લાગુ થવા સુધી બજારમાં કોઈ અવ્યવસ્થા ન સર્જાય. સરકારના મતે આ નિર્ણયથી અનેક ફાયદા થશે. ઓવરડોઝનું જોખમ ઘટશે, બાળકો અને વૃદ્ધોની સુરક્ષા વધશે, દવાની ગુણવત્તા જળવાઈ રહેશે અને મિલાવટ અથવા ખોટી દવાઓના વેચાણ પર નિયંત્રણ આવશે. સાથે જ દર્દીઓને યોગ્ય સારવાર અને યોગ્ય માત્રામાં દવા મળવાની શક્યતા પણ વધુ મજબૂત બનશે.