Education

RTEમાં હવે અંતિમ તક,ત્રણ રાઉન્ડ બાદ પણ 6,085 બેઠકો ખાલી, 18 જૂનથી ચોથો અને છેલ્લો રાઉન્ડ શરૂ

વાલીઓ 20 જૂન સુધી ચોઇસમાં ફેરફાર કરી શકશે, અનેક બેઠકો ખાલી રહેવાની શક્યતા યથાવત્
(પ્રતિનિધિ) વડોદરા, તા.17
રાઇટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ હેઠળ ધોરણ-1માં વિનામૂલ્યે પ્રવેશ માટે ચાલી રહેલી કેન્દ્રિય ઓનલાઈન પ્રક્રિયાના ત્રણ રાઉન્ડ પૂર્ણ થયા બાદ પણ રાજ્યભરમાં 6,085 બેઠકો ખાલી રહી છે. સતત ત્રણ રાઉન્ડ બાદ પણ બેઠકો ભરાઈ ન શકતા હવે 18 જૂનથી ચોથો અને અંતિમ રાઉન્ડ શરૂ કરવામાં આવશે.
રાજ્યની 9,700થી વધુ ખાનગી શાળાઓમાં આરટીઈ હેઠળ 83 હજારથી વધુ બેઠકો ઉપલબ્ધ હતી, જ્યારે તેની સામે 1.50 લાખથી વધુ વાલીઓએ માન્ય અરજીઓ કરી હતી. બે રાઉન્ડ બાદ ખાલી રહેલી 7,022 બેઠકો માટે યોજાયેલા ત્રીજા રાઉન્ડમાં 1,926 બાળકોને વાલીઓની પસંદગી મુજબ પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. જોકે, 15 જૂન સુધી પ્રવેશની રૂબરૂ પુષ્ટિ કરાવવાની અંતિમ મુદત દરમિયાન માત્ર 937 બાળકોના વાલીઓએ જ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હતો.
પસંદગીની સ્કૂલોમાં જગ્યા નથી, ખાલી બેઠકો માટે વાલીઓનો અભાવ
આરટીઈ એક્ટ હેઠળ ખાનગી શાળાઓમાં ધોરણ-1ની 25 ટકા બેઠકો પર મેરિટ અને નિર્ધારિત માપદંડોના આધારે બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. જોકે, આ વર્ષે પણ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અનેક બેઠકો ખાલી રહે તેવી સ્થિતિ સર્જાઈ છે.
તેનું મુખ્ય કારણ એ છે કે જ્યાં બેઠકો ખાલી છે, ત્યાં વાલીઓની પસંદગી નથી અને જ્યાં વાલીઓની પસંદગી છે, ત્યાં બેઠકો ઉપલબ્ધ નથી. પરિણામે બેઠક અને પસંદગી વચ્ચેનું ગણિત ગૂંચવાયું છે.
20 જૂન સુધી ચોઇસમાં ફેરફારની તક, છતાં અનેક બેઠકો ખાલી રહેવાની સંભાવના
18 જૂનથી શરૂ થનારા ચોથા અને અંતિમ રાઉન્ડમાં વાલીઓને 20 જૂન સુધી નવી સ્કૂલ પસંદ કરવાની તેમજ અગાઉની પસંદગીમાં ફેરફાર કરવાની તક આપવામાં આવશે. જોકે, શિક્ષણ વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે કે ચાર રાઉન્ડ બાદ પણ મોટી સંખ્યામાં બેઠકો ખાલી રહી શકે છે, કારણ કે ઘણી શાળાઓમાં ઉપલબ્ધ બેઠકો માટે વાલીઓ તરફથી કોઈ પસંદગી દર્શાવવામાં આવી નથી.
આથી, RTE પ્રવેશ પ્રક્રિયામાં બેઠકોની ઉપલબ્ધતા અને વાલીઓની પસંદગી વચ્ચેનું અંતર ફરી એકવાર સ્પષ્ટ રીતે સામે આવ્યું છે.

Most Popular

To Top