Vadodara

તરસાલીના નાયરા પેટ્રોલ પંપ પર ડીઝલમાં મોટો ‘ઝોલ’ ? ટાંકી ૮ લીટરની ને મશીનમાં ૯.૪૩ લીટર બતાવાયું

ટેમ્પો ચાલકની સતર્કતાથી ગેરરીતિનો પર્દાફાશ: ગ્રાહકોમાં ભારે રોષ, સત્તાવાર તપાસની ઉગ્ર માંગ

(પ્રતિનિધિ), વડોદરા. તા.૧૭

વડોદરા :- શહેરના તરસાલી ગુરુકુળ નજીક આવેલા ‘નાયરા’ પેટ્રોલ પંપ પર ડીઝલ વિતરણમાં ગંભીર ગેરરીતિ થતી હોવાનો સળગતો આક્ષેપ સામે આવ્યો છે. એક જાગૃત ટેમ્પો ચાલકે પેટ્રોલ પંપના મશીનની ચોકસાઈ અને માપદંડો સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. મળતી માહિતી મુજબ, ટેમ્પો ચાલક પોતાના વાહનમાં ડીઝલ ભરાવવા માટે આ પંપ પર ગયો હતો. ટેમ્પો કંપની દ્વારા નિર્ધારિત કરાયેલી ટાંકીની કુલ ક્ષમતા માત્ર ૮ લીટરની છે. પરંતુ જ્યારે પંપના મશીન દ્વારા ડીઝલ ભરવામાં આવ્યું, ત્યારે મશીનના ડિસ્પ્લે પર આંકડો જોઈને ચાલક સ્તબ્ધ થઈ ગયો હતો. મશીનમાં પૂરેપૂરું ડીઝલ ભરાયા બાદ ૯.૪૩ લીટર ડીઝલ ભરાયું હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. કંપનીની કેપેસિટી કરતાં પણ વધુ ડીઝલ મશીનમાં નોંધાતા ચાલકને તુરંત જ કંઈક અજુગતું હોવાની શંકા ગઈ હતી.

પોતાની શંકા દ્રઢ થતાં ટેમ્પો ચાલકે પંપ પર જ હોબાળો મચાવવાને બદલે પુરાવા સાથે વાત કરવાનું નક્કી કર્યું. તેણે ટાંકીમાંથી તમામ ડીઝલ સંપૂર્ણપણે ખાલી કરી નાખ્યું હતું. ત્યારબાદ વૈજ્ઞાનિક અને પ્રાયોગિક રીતે ફરીથી ચકાસણી કરવામાં આવી ત્યારે સામે આવ્યું કે ટાંકીમાં મહત્તમ અંદાજે ૮.૫૭ લીટર જેટલું જ ડીઝલ સમાઈ શક્યું હતું. આમ, મશીનના રીડિંગ ૯.૪૩ લીટર અને વાસ્તવિક ક્ષમતા વચ્ચે સીધો મોટો તફાવત જોવા મળ્યો હતો. ગ્રાહકનો આક્ષેપ છે કે પંપના મશીનમાં સેટિંગ કરીને ઓછું ઈંધણ આપીને વધારે રૂપિયા ખંખેરવાનું આ મોટું કૌભાંડ હોઈ શકે છે. આ ઘટનાનો વીડિયો અને વિગતો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થતાં વાહનચાલકોમાં પંપ સંચાલકો સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

રોજના હજારો લીટરની ચોરી ? આ ઘટનાએ પેટ્રોલ પંપના માપદંડો અને તોલમાપ વિભાગની કામગીરી સામે પણ મોટા પ્રશ્નાર્થચિહ્નો ઊભા કર્યા છે. સ્થાનિકો અને ગ્રાહકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, જો એક નાની ૮ લીટરની ટાંકીમાં આટલો મોટો તફાવત આવતો હોય, તો દિવસ દરમિયાન સેંકડો વાહનોમાં કેટલાય લીટર ઇંધણની ચોરી થતી હશે ? મોટા વાહનો જેમ કે ટ્રક કે બસ જેમાં ૨૦૦-૩૦૦ લીટર ડીઝલ ભરાય છે, તેમાં ગ્રાહકોને કેટલો મોટો ચૂનો લાગતો હશે ?

હાલમાં આ સમગ્ર મામલે તોલમાપ વિભાગ અને પુરવઠા વિભાગ દ્વારા પંપ પર સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવે અને મશીનો સીલ કરીને કાયદેસરની સત્તાવાર તપાસ થાય તેવી લોક માંગ પ્રબળ બની છે.

Most Popular

To Top